મચ્છરના ત્રાસમાં ગુરુજીની વાત
“ગુન... ગુન... ગુન...”
“અરે, આ મચ્છરના ત્રાસથી તો કંટાળી ગયો છું. આજે આ પ્રશ્નનો નિકાલ લાવ્યે જ છૂટકો.” સ્વામિનારાયણ ધામ સંત આશ્રમના STK ફ્લોર પર બેઠેલા ભદ્રેશ મહારાજ મચ્છરના ઉપદ્રવથી ત્રાસ પામી તેના ઉપાયમાં લાગ્યા હતા : ‘શું કરું તો મચ્છર જલદી ભાગી જાય, હં... એક કામ કરું આખા સંત આશ્રમમાં લીમડાનો ધુમાડો કરું, પણ મારે કોઈકની મદદની જરૂર પડશે. આ ઘનશ્યામ મહારાજ છે ને, મને જરૂર મદદ કરશે.’
ભદ્રેશ મહારાજ અને ઘનશ્યામ મહારાજ બંને રાત્રિના ૯:૦૫ વાગ્યે સંત આશ્રમની એક રૂમમાં ધુમાડો કરી બીજા રૂમમાં ધુમાડો કરવા બીજો લીમડો લેવા જતા હતા એટલામાં પાછળથી મીઠેરો સાદ સંભળાયો : “અરે ઓ ભદ્રેશ મહારાજ, ઘનશ્યામ મહારાજ..!”
‘અવાજ તો જાણીતો લાગે છે, કોણ હશે ? જે હોય તે અત્યારે કોઈની સામું જોવાનો સમય નથી.’ એમ વિચારી બંને મુક્તો ચાલવા લાગ્યા. ત્યાં ફરીથી પોતાના નામનો સાદ સંભળાયો.
“અરે... આ તો સ્વામીશ્રી છે.”
“મહારાજ ! અત્યારે ક્યાં જઈ રહ્યા છો ?” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું.
“દયાળુ, મચ્છરનો ઉપદ્રવ વધતો જાય છે તેથી લીમડાનો ધુમાડો કરવા લીમડો લેવા જઈએ છીએ.”
“અત્યારે નિયમચેષ્ટા ચાલુ છે. તમને ખ્યાલ નથી ??” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આહ્ નિકનો ખ્યાલ અપાવતાં પૂછ્યું. ત્યાં તો બંને મુક્તો મૌન ધારણ કરી રહ્યા.
“નિયમચેષ્ટાના સમયે આપણે કોઈ પ્રવૃત્તિ ન કરવી. વળી, સમૂહમાં જ ચેષ્ટા કરવાનો આગ્રહ રાખવો. જાવ, બંને મુક્તો ચેષ્ટામાં બેસી જાવ.”
આમ, આહ્ નિકમાં વર્તાવવાનો આગ્રહ જોઈ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો બંને મુક્તો ગુરુજીના મહાત્મ્યસાગરમાં ડૂબી ગયા.