હજારો હરિભક્તોને સુખિયા કરવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૭-૧-૨૦૧૩ના રોજ ઝોળીસેવાના પર્વ નિમિત્તે ઘાટલોડિયા પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની સભા પૂર્ણ થયા બાદ એનાઉન્સર દ્વારા પૂજન માટે હરિભક્તોનાં નામ બોલાતાં હતાં. હરિભક્તોને કાર્યકર હાર આપે ત્યારબાદ હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું પૂજન કરતા હતા.

એ અરસામાં એક બાળમુક્ત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી માટે ઘરેથી હાર લઈ આવેલો તે હાર લઈ ઊભો થયો. ગુરુજીની દૃષ્ટિ બાળમુક્ત ઉપર ઠરી. હરિભક્તોના પૂજન પૂર્ણ થયા બાદ બાળમુક્ત હજારો હરિભક્તોને ઓળંગતો હાથમાં હાર લઈ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તરફ આગળ આવ્યો. બાળમુક્તે એનાઉન્સર તરફ જોયું પણ તેઓએ કોઈ પ્રતિસાદ ન આપ્યો. પરંતુ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ બાળકના પ્રેમને વશ થઈ આંખના ઇશારે બાળકને પોતાના તરફ બોલાવ્યો.

બાળમુક્તના હૈયે હિંમત આવી અને દોડતો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની નજીક પહોંચી ગયો. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને હાર ધારણ કરાવવા હાથ ઊંચા કર્યા પણ ગુરુજી સુધી ન પહોંચી શક્યો. આમ પણ સાધનિક મોટાપુરુષ સુધી પહોંચી ન શકે. મોટાપુરુષ જ સાધનિકને પોતાની સાથે લઈ જવા નીચે આવે છે, એ ન્યાયે ગુરુજી નીચા નમ્યા. બાળમુક્તે ખુશખુશાલ થઈ ગુરુજીને હાર પહેરાવી દીધો. સભાજનોએ તાળીઓના ગળગળાટથી બાળમુક્ત સહિત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને વધાવી લીધા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ બાળમુક્તના મસ્તક પર હસ્ત મૂકી એને પોતાના દિવ્ય આશીર્વાદમાં સમાવી લીધો.

આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ બાળમુક્તના પ્રેમને વશ થઈ બાળમુક્ત ઉપર કેવી દયા ! કેવી કરુણા !!