તા. ૪-૫-૧૮ ને શુક્રવારથી તા. ૭-૫-૧૮ ને સોમવાર એમ ચાર દિવસ નવી મુંબઈ ખાતે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું વિચરણ ગોઠવાયું હતું.

ગુરુજી અમદાવાદથી નવી મુંબઈ એરોપ્લેનમાં પધાર્યા.

એરપોર્ટથી ઉતારાના સ્થળે ગાડીમાં પધારતાં એક મોટેરા હરિભક્તે ગુરુજીને કહ્યું,

“દયાળુ, આપ પધારવાના છો તેથી હરિભક્તોએ પ્રોગ્રામની સેવા, તૈયારી તથા અન્ય વ્યવસ્થા માટે ખૂબ દાખડો કર્યો છે. હજુ પણ સેવા ચાલુ છે. આપ બધાય પર ખૂબ રાજી થજો.”

હરિભક્તને એમ કે ગુરુજી ખૂબ રાજી થશે પરંતુ નારાજગીના ભાવ દર્શાવતાં ગુરુજીએ એ હરિભક્ત જોડે જ સેવાર્થી મુક્તોને ફોન કરાવી કહેવડાવ્યું,

“બધા મુક્તો વહેલા સૂઈ જાય એવું કરશો. કદાચ ડેકોરેશન ઓછું હશે તો ચાલશે પણ કાલે સવારે પ્રાતઃ સભામાં ઝોકાં આવે તે નહિ ચાલે. મુક્તો, સ્વવિકાસના ભોગે કશું જ ન કરવું જોઈએ.”

આમ, સ્વવિકાસના આગ્રહી વ્હાલા ગુરુજીએ હરિભક્તોને સ્વવિકાસ માટે જાગૃત કરી કારણ પ્રધાનતાના પાઠ શીખવ્યા.