આ સ્વામીએ પણ સ્લીપર પહેરેલા નથી
ઈ.સ. ૨૦૧૭, વ્હાલા ગુરુજીનું કેનેડા ખાતે વિચરણ હતું.
ગુરુજી એક સભા પૂર્ણ કરી કેમ્પસમાં બાળ વિભાગના પ્રોગ્રામમાં પધારતા હતા. તે દરમ્યાન ગુરુજીએ ચરણમાં સ્લીપર ધારણ નહોતા કર્યા.
એક હરિભક્તે ગુરુજીને સ્લીપરવિહોણા જોઈ મંદિરેથી સ્લીપર લાવી ગુરુજીના ચરણ આગળ મૂક્યા. ગુરુજીએ સાથે રહેલા સંતના ચરણમાં સ્લીપર ન જોયા.
તેથી હરિભક્તને ટકોર કરતાં કહ્યું, “મહારાજ, આપને અમે સ્લીપર નથી પહેર્યા તે દેખાયું પણ આ સ્વામીએ સ્લીપર પહેરેલા નથી; તે ન દેખાયું. એનું કારણ શું ? વિચારજો... તમે કદાચ અમારી સેવા નહિ કરો તો ચાલશે પણ અમારા નાનામાં નાના સંતોની સેવા કરશો તો અમે એમાં ખૂબ રાજી થઈશું.” હરિભક્ત તે સંત માટે પણ સ્લીપર લાવ્યા અને તેમને સ્લીપર પહેરાવ્યા પછી જ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સ્લીપર પહેર્યા.
આમ, પરહિતના આગ્રહી ગુરુજીએ હરિભક્તને નાનામાં નાના સંતોની સેવાનો મહિમા સમજાવ્યો.