જેવો તેવો તોય પુત્ર તમારો
તા. ૧૫-૭-૧૮ ને રવિવારના રોજ ગુરુદેવ પ.પૂ.બાપજી સાંજે હરિભક્તોને દર્શન આપીને સુખિયા કરી રહ્યા હતા. તે સમયે એક હરિભક્તે દીનભાવે ગુરુદેવ બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું,
“દયાળુ ! અમારી જમીન ગામના ગુંડાઓએ લઈ લીધી. તે જમીન છૂટી થાય તેવી દયા કરો.”
અતિ દયાળુ ગુરુદેવ પ.પૂ.બાપજીએ કહ્યું, “શ્રીજીમહારાજનું ભજન કરો… મહારાજની મરજી હશે તેમ થશે.”
હરિભક્તને ધીર આપી મહારાજને પ્રાર્થના કરતાં ગુરુદેવ પ.પૂ.બાપજી વ્હીલચેરમાં ઠાકોરજીની પ્રદક્ષિણા કરવા લાગ્યા. પ્રદક્ષિણા પૂર્ણ કરીને ગુરુદેવ પ.પૂ.બાપજી આસને પધાર્યા ત્યારે તેઓએ સેવક સંતને કહ્યું,
“પેલા હરિભક્ત આવ્યા હતા તેમનું જીવન મહારાજને ગમે એવું નથી. મહારાજ તેમની પ્રાર્થના સાંભળેય નહિ છતાં પણ આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે, ‘જેવો તેવો તોય પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે...’ જેવો તેવો તોય સત્સંગી તો છે ને; મહારાજનો દીકરો તો છે ને.”
આમ, ગુરુદેવ પ.પૂ.બાપજી એટલે દયા, દયા, દયા ને દયાની સાક્ષાત્ મૂર્તિ. ‘મા’ની જેમ સત્સંગીમાત્રનું જતન તેમણે કર્યું છે ને કરાવ્યું છે. એ દિવ્યપુરુષની દૃષ્ટિમાં જીવની અવળાઈને બદલે નીતરતી કરુણા જ રહી છે.