“બાપજી ! મને દાઢનું કેન્સર છે. ખૂબ જ દુ:ખાવો થાય છે. મહારાજને પ્રાર્થના કરો, મારું આ દુઃખ ટાળે.”

તા. 19-7-2018 ને ગુરુવારનો દિવસ હતો. વાસણા ખાતે ગુરુદેવ પ.પૂ. બાપજી હરિભક્તોને દર્શન-આશીર્વાદનો લાભ આપી રહ્યા હતા. ત્યારે અમરેલી નજીક આવેલ વાંટાવદરના વતની, સ્વામિનારાયણ ધામ ગુરુકુલના એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ગુરુદેવ પ.પૂ. બાપજીને ઉપરોક્ત પ્રાર્થના કરી. તેમના દુઃખને ગુરુદેવ પ.પૂ. બાપજી સહજમાં પિછાની ગયા.

“લો મુક્તરાજ ! આ પ્રસાદીનું જળ રોજ ધરાવજો. મહારાજ ભેગા ભળશે. દયા કરશે.” એમ આશીર્વાદ આપી ગુરુદેવ પ.પૂ. બાપજીએ તેમની પીઠ પર આશીર્વાદનો ધબ્બો માર્યો. મર્માળું હાસ્ય રેલાવી તેમની પર રાજીપો વરસાવ્યો. હરખાતા હૈયે વિદ્યાર્થીમુક્ત પ્રસાદીનું જળ લઈ નીકળ્યા.

ત્યારબાદ ગુરુદેવ પ.પૂ. બાપજી વ્હિલચેરમાં બેસી પ્રદક્ષિણા કરવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં તેઓએ સેવક સંતને કહ્યું, “જગતની અંદર લોકો બિચારા કેટલા દુઃખી છે ! જનના-મનના-તનના રોગોથી કેટલા પીડાય છે ! સ્વામી ! મહારાજે આપણી પર કેવી દયા કરી છે ! કોઈ પ્રકારની ચિંતા રહેવા દીધી નથી. સંસાર તો કેવળ દુઃખથી ભરેલો છે.” આટલું કહી ગુરુદેવ પ.પૂ. બાપજીએ સેવક સંતને સંસાર પ્રત્યેની અનાસક્તિની ખૂબ વાતો કરી.

હરિભક્તોના બેલી અને પોતાના સંતોને સંસારથી સદૈવ વિરક્ત રાખવાનું સાંખ્યજ્ઞાન કરનાર દિવ્ય સત્પુરુષ ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં અનંતાનંદ વંદના !