તા. ૧૨-૧૦-૧૨. આજરોજ સ્વામિનારાયણ ધામ ગુરુકુલ દશાબ્દી ઉત્સવ હતો.

સામૈયા પ્રસંગે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુદેવ પ.પૂ. બાપજી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા હતા. સંત આશ્રમથી બાપાશ્રી આવાસના બિલ્ડિંગ સુધી સામૈયું આયોજિત કર્યું હતું.

સામૈયા સમયે થોડો થોડો તાપ હતો. આથી એક હરિભક્તે છત્રી લાવી ગુરુદેવ પ.પૂ. બાપજીના શિર પર ધરી દીધી.

તરત જ ગુરુદેવ પ.પૂ. બાપજીએ સેવક સંતના હસ્તમાં રહેલ હરિકૃષ્ણ મહારાજ સામે અંગુલીનિર્દેશ કરતાં કહ્યું,

“ભગત ! હરિકૃષ્ણ મહારાજ ઉપર છત્રી ધરો. મહારાજને તાપ લાગે છે.”

હરિભક્તે મહારાજ પર છત્રી ધરી ત્યારે ફરીથી ગુરુદેવ પ.પૂ. બાપજી બોલ્યા, “આ મહારાજના આપણે દાસ છીએ, મહારાજને મૂકીને આપણાથી કોઈ વસ્તુ કેમ ગ્રહણ થાય ? મહારાજને લઈને તો આપણે સૌ સુખિયા છીએ ને !”

આમ, દરેક બાબતમાં ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનમાં શ્રીહરિ પરત્વેની પરાભક્તિનાં સહસા જ દર્શન થતાં.