એક દિવસ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુકુલના બાળમુક્તોને લાભ આપી સુખિયા કરવા પધાર્યા. વ્હાલા ગુરુજીનાં દર્શન થતાં જ સર્વે બાળમુક્તોના હૈયે આનંદની હેલી વહેવા માંડી. ગુરુજીએ બાળમુક્તોને હળવી શૈલીમાં ગમ્મત સાથે જ્ઞાન આપી સુખિયા કર્યા.

સભાની પૂર્ણાહુતિ બાદ ગુરુજી પરત પધારી રહ્યા હતા. ત્યાં એક અગિયાર-બાર વર્ષના બાળમુક્ત રડતાં રડતાં ગુરુજી પાસે આવ્યા. બાળહૈયાને રડતું જોઈ ગુરુજીનું કોમળ હૃદય દ્રવી ઊઠ્યું. સ્વહસ્તે પોતાના ગાતડિયા વડે ગુરુજીએ એ બાળમુક્તની આંખનાં આંસુ લૂછ્યાં. ગુરુજીએ ખૂબ વ્હાલથી પૂછ્યું, “તને કાંઈ તકલીફ છે ? ઘર યાદ આવે છે ?” બાળમુક્તે રડતાં રડતાં હકારમાં માથું હલાવ્યું.

વ્હાલા ગુરુજીએ બાળમુક્તને પોતાની બાથમાં ભીડતાં કહ્યું, “મુક્તરાજ, અમે અને સંતો તમારા માવતર નથી ? એમાં કંઈ રડવાનું હોય. તારે તકલીફ, મૂંઝવણ હોય તે અડધી રાત્રે અમને જણાવજે. તારા માટે અમારા આસનના દરવાજા સદાય ખુલ્લા છે. તું અમારો સહજાનંદી સિંહ છે. હવે તું મૂંઝાઈશ નહીં. અમે તારી પર ખૂબ રાજી છીએ.” કહી ગુરુજીએ બાળમુક્તના ગાલ પર પોતાનો હેતાળ હસ્ત ફેરવ્યો.

ગુરુજીના પ્રેમાળ આશ્વાસન અને માતૃવાત્સલ્ય સ્નેહથી બાળમુક્ત ખૂબ રાજી થઈ ગયા ને મનોમન અહોભાવમાં ડૂબી ગયા : ‘કેવા મોટા દિવ્યપુરુષ છે ! મારી વાત જાણી લીધી. મને વ્હાલ આપ્યો. મને નિર્ભય કર્યો. મારા માટે એમણે દરવાજા ખુલ્લા મૂક્યા !!’ કોઈએ તેને પૂછ્યું, “ગુરુજીએ શું લાભ આપ્યો ?” તો તેણે એક જ જવાબ આપ્યો, “અત્યાર સુધી જીવનમાં કોઈએ મને પ્રેમ નથી આપ્યો એવો માતૃવાત્સલ્ય પ્રેમ મને ગુરુજીએ આપ્યો.”

આમ, અનંત જનનીના હેતને પણ લજાવે તેવો દિવ્ય પ્રેમ વરસાવનાર દિવ્ય ગુરુજીના ચરણોમાં અનંતાનંત પ્રણામ !