તા. ૨૮-૭-૨૦૧૩ ને રવિવારના રોજ ગોધર ખાતે ગુરુપૂર્ણિમાનો સમૈયો હતો. ગુરુદેવ પ.પૂ. બાપજી સંગે ગોધર પધારવાનો મહામૂલો લાભ એક સમર્પિત મુક્તને મળ્યો હતો.

પૂજનવિધિ બાદ ગુરુદેવ પ.પૂ. બાપજી ઠાકોરજી જમાડવા પધારતા હતા. રસ્તામાં એક રૂમની બહાર લીલી ખારેકનો ટોપલો હતો તે ગુરુદેવ બાપજીએ જોયો. તેથી તેમણે સેવક સંતને બોલાવ્યા,

“સ્વામી ! તમે આ પ્રસાદી લીધી ?”

“હા બાપજી, આપણા પૂરતી લીધી છે.”

“આપણા પૂરતી લીધે શું વળે ? સ્વામિનારાયણ ધામના બધા સમર્પિત સાધકોને આપવી જોઈએ. તેમને મૂકીને આપણે એકલા જમીએ તે યોગ્ય ન કહેવાય, સમજ્યા !”

“હા બાપજી.” સેવક સંતે ક્ષમાના સ્વરમાં કહ્યું.

“અલ્યા ભગત, તમેય પ્રસાદી લઈ લેજો હોં !” ગુરુદેવ પ.પૂ. બાપજીએ સાથે આવેલા સમર્પિત મુક્તને કહ્યું.

આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીની સાધુતા અને માતૃવાત્સલ્યતા નિહાળી સમર્પિત મુક્ત અહોભાવમાં ડૂબી ગયા !