પહેલાં અમારા સંતો પછી અમે
દશેરાનો દિવસ હતો. નરોડા મંદિરનો પાટોત્સવ હતો. આ દિવસે ગુરુજીએ સંસ્થાના તમામ સંત મંડળને જલેબીની પ્રસાદી જમાડવાની આજ્ઞા કરી હતી.
“આજે અમારા બધા જ સંતોને જલેબી જમાડવાની આજ્ઞા કરી છે, પણ વસ્ત્રાલના અમારા સંતોનું મંડળ આજે હરિભક્તના ઘરે રસોઈ હોવાથી જલેબીની પ્રસાદી નહિ લઈ શકે...” તા. ૧૪-૧૦-૨૧ના રોજ સેવક સંત સાથે ‘મા’ની જેમ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.
ગુરુજી પોતાના દીકરા સમા સર્વે સંતોની નાનામાં નાની બાબતની કાળજી રાખે ને રખાવે. તેથી તેમણે સેવક સંતને કહ્યું, “સ્વામી, અમારા સંતોને જલેબીની પ્રસાદી નહિ મળે તો અમે પણ નહિ જમાડીએ.”
“મહારાજ, એ સંતોને જલેબીની પ્રસાદી મળે તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ...” સેવક સંતે દીન વચને કહ્યું.
“સ્વામી, અમે અમારા બાળકોને મૂકીને ન જમાડીએ... તમે અમને જાણો છો ને ! પહેલાં અમારા સંતાનો – સંતો પછી અમે... આ અમારો કાયમી સ્વભાવ છે...” આમ કહેતાં કહેતાં ગુરુજીએ વસ્ત્રાલના સંતો માટે જમાડવાની પ્રથમ વ્યવસ્થા કરાવી. પછી તેમણે પ્રસાદ ગ્રહણ કર્યો.
આમ, આ લોકની મા પણ કાળજી બાબતે ગુરુજીની આગળ ઊણી દેખાય – ઊતરે. ગુરુજી એટલે ગુરુજી.