સંવત 1867માં શ્રીહરિ જીરણગઢ પધારેલા. દરરોજ હરિભક્તોને ઘેર પધરામણીએ તથા જમવા પધારતા. ગોકળદાસ ભાટિયાના આગ્રહને વશ થઈ શ્રીહરિએ તેમને પણ સેવાનો અવસર આપ્યો. ગોકળદાસે તો મહારાજ માટે વિધ વિધ વાનગી તૈયાર કરાવી પરંતુ તેમની મા સત્સંગનાં દ્વેષી હતાં. તેમણે નક્કી કર્યું કે, ‘ભલે સ્વામિનારાયણ ઘેર આવે પણ મારે તેમનું મોં જોવું નથી.’

શ્રીજીમહારાજ તો ગોકળ ભાટિયાને ઘેર પધાર્યા પણ ડોસી સંતાઈ ગયાં. શ્રીજીમહારાજ આ જાણી હસવા લાગ્યા. શ્રીહરિને સાથે આવેલા સંતોએ હસવાનું કારણ પૂછ્યું તો શ્રીહરિએ હસતાં હસતાં કહ્યું, “આ ગોકળની માને અમારું મોઢું જોવું નથી ને સંતાઈ ગયાં છે પણ એમને ક્યાં ખબર છે કે અમે તો ચાર ચણુ ભેગા થયા વિના પણ અંતરમાં પેસી જઈએ એવા છીએ !!”

શ્રીહરિએ ગોકળ ભાટિયાનો થાળ ભાવથી અંગીકાર કરી, સંતોને તથા ભાટિયાને પ્રસાદી આપી. શ્રીહરિ અને સંતો ઘરની બહાર નીકળ્યા એટલે ગોકળની માએ જરાક ખડકી ઉઘાડી મહારાજ સામે જોઈ લીધું. કરુણાળુ સ્વરૂપ એવા શ્રીહરિએ પણ એ જ વખતે તેમના પર દૃષ્ટિ કરી અને ડોસીના અંતરમાં શ્રીહરિની સૌમ્ય મૂર્તિ પેસી ગઈ. ડોસીને અંતરમાં તથા બહાર જ્યાં જુએ ત્યાં શ્રીહરિની મૂર્તિ દેખાવા લાગી.

વાહ, ઘનશ્યામ પ્રભુ ! આપ તો આપના દ્વેષીના અંતરમાં પણ પેસી જઈ, આપની મૂર્તિનું દાન આપી દો છો !!