ઠાકોરજીના ધર્માદાનું નુકસાન ન થવું જોઈએ
ઈ.સ. 1987, જાન્યુઆરીમાં ગુરુદેવ પ.પૂ. બાપજી, ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ત્રણ હરિભક્તો સહિત વાસણા મંદિરના ઘનશ્યામ મહારાજની મૂર્તિ લેવા જયપુર પધાર્યા હતા.
જતા પહેલાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ પૂ. સંતોને કહેલું કે, “અમો ત્રીજા દિવસ સાંજે પરત આવીશું.”
પરંતુ જયપુરમાં મૂર્તિનું કામ થોડું બાકી તેથી રાત્રિને બદલે બીજા દિવસે સવારે વાસણા પધાર્યા. એ સમયે મંદિરમાં કોઈ ફોનની વ્યવસ્થા ન હતી તેથી સમાચાર ન મળતાં મંદિરે રહેલા પૂ. સંતોએ પાંચ સભ્યોની રસોઈ બનાવી રાખેલી તે પડી રહી. બીજે દિવસે બપોરે ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું, “સંતો, ગઈકાલની ઠંડી રસોઈ લાવો, પહેલાં ઠંડું જમાડીએ.”
ત્યારે પૂ. સંતોએ કહ્યું, “બાપજી, કાલે રોટલા બનાવ્યા હતા. થોડા જ વધ્યા હતા જે અમે એંઠવાડમાં જવા દીધા છે.”
ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજીએ શીખ આપતાં કહ્યું,
“સંતો, ગલ્લાપેટીમાં કોઈ પૈસા નાખે, ધર્માદો લખાવે કે અનાજ, શાકભાજી કે ફ્રૂટ આપે એ ઠાકોરજીની સંપત્તિ છે. તેનું નુકસાન ન થવું જોઈએ. હરિભક્તો મહેનત કરી પરસેવો પાડી સેવા કરે તેને મહારાજ સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે. જો તેનો બગાડ થાય તો આપણે ગુનેગાર થઈએ, દેવું ચૂકવવું પડે, આપણાથી ઠંડા રોટલા કેમ ફેંકાય ? સુકાઈ જાય તો ચોળીને છાસ નાખી વઘારી નખાય પણ ટુકડો પણ ન ફેંકાય.”
આમ, ધર્માદાના એક એક પૈસાનો સદુપયોગ કરાવી ઠાકોરજી સુધી પહોંચાડનાર ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન !!