અમારા ઉપર દયા રાખજો
સંવત 1866માં શ્રીહરિએ ભૂજમાં ખૂબ ધામધૂમથી ફૂલદોલનો ઉત્સવ કર્યો. વિદાય લેતી વખતે સર્વે હરિભક્તોએ શ્રીહરિને પ્રાર્થના કરતાં કહ્યું, “મહારાજ ! અમારા ઉપર દયા રાખજો.”
“તમે પણ અમારા ઉપર દયા રાખજો.” શ્રીહરિએ હસતાં હસતાં કહ્યું. હરિભક્તોએ તો આ શબ્દોની કોઈ નોંધ ન લીધી અને ચાલવા લાગ્યા. પરંતુ બહાર નીકળ્યા ત્યારે કોઈ હરિભક્તને વિચાર આવ્યો કે, ‘મહારાજે આપણને એવું શા માટે કહ્યું હશે કે તમે અમારા ઉપર દયા રાખજો ?!’ સૌ હરિભક્તો આ વાક્યનો અર્થ સમજવા શ્રીહરિ પાસે પહોંચી ગયા અને બે હાથ જોડી પૂછ્યું : “હે મહારાજ, આપ તો અમારા ઇષ્ટદેવ છો. આથી અમે તો આપને પ્રાર્થના કરીએ કે અમારા પર દયા રાખજો. પરંતુ આપે અમને આવું શા માટે કહ્યું ? કંઈ સમજાયું નહીં.”
“ભક્તો, સાડા ત્રણ હાથની તમારી કાયા છે. એમાં ત્રણ આંગળનું હ્દય છે. તે હ્દયમાં સ્ત્રી-ધનાદિક પદાર્થની વાસના ન પ્રવેશવા દેશો. તે હ્દયને શુદ્ધ અને પવિત્ર રાખજો. તો અમે તમારી સાથે રહી શકીશું. માટે તમારે અમારા ઉપર દયા રાખવાની છે.” શ્રીહરિએ સૌને સાવધ કરતાં કહ્યું.
શ્રીહરિનો અંતર્ગત અભિપ્રાય જાણી સૌ હરિભક્તો જાગૃત થઈ ગયા.