સંવત 1866માં શ્રીહરિ કાળા તળાવ પધાર્યા હતા. બપોરે સંતોની સભામાં વાત કરતાં કહ્યું, “શાસ્ત્રકારોએ અત્યાર સુધી શાસ્ત્રોમાં નિયમો પાળવાનું ઘણું લખ્યું છે પરંતુ કોઈએ નિયમો પાળ્યા નથી કે પોતાના અનુયાયીઓ પાસે પળાવ્યા નથી. આ વખતે અમારે શાસ્ત્રોમાં જે જે વાતો લખી છે તે તમારા સૌ પાસે પળાવવી છે.”

શ્રીજીમહારાજના વર્તનશીલ જીવન કરાવવાના આગ્રહને સૌ સંતો વંદી રહી બોલ્યા, “હે પ્રભુ ! આપ જેમ કહો તેમ જ અમારે કરવું છે.” સંતોની વચનમાં વર્તવાની ટેક જોઈ ફરી શ્રીહરિ બોલ્યા, “આપણે આ પૃથ્વી ઉપર ભાગવત ધર્મ સ્થાપી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સિદ્ધ કરાવી, સૌનું આત્યંતિક કલ્યાણ કરવું. એ માટે તમારે એક એક સંતે દસ હજાર જીવોનું કલ્યાણ કરવું એવો નિયમ આજે લ્યો. અમારે પણ આ દેહે કરીને અસંખ્ય જીવોનાં કલ્યાણ કરવાં છે. તે સારુ અમે પ્રગટ થયા છીએ.”

આમ, શ્રીહરિએ પોતાના વારસદાર એવા સંતોને પોતાના પ્રાગટ્યનો હેતુ જણાવ્યો.