સંવત 1865માં શ્રીહરિ કચ્છ વિચરણ કરી રહ્યા હતા ત્યારે શ્રીહરિનાં દર્શનાર્થે એક સંત મંડળ આવ્યું. સંતોએ પોતાના અતિ સ્નેહી એવા મહારાજના ચરણે કેરીની ભેટ ધરી.

શ્રીહરિએ મંડળધારી સંતને પૂછ્યું, “તમો આ કેરી ક્યાંથી લાવ્યા ?”

“દયાળુ, અમે એક આંબા તળે વિસામો લેવા સૂતા તે ઊઠ્યા ત્યારે આંબા પરથી કેરી પડી. તે કેરી લાવ્યા છીએ.”

સંતનો જવાબ સુણી શ્રીહરિએ ભક્તોને પૂછ્યું, “આ દેશમાં કેરીની છત ખરી ?”

“અરે મહારાજ ! આ દેશમાં તો આંબા ભાગ્યે જ ઊછરે. અહીં છત કેવી ?”

વળી શ્રીહરિએ પૂછ્યું, “અહીં કોઈના આંબાની આમ પડેલી કેરી લેતા આંબાનો રખેવાળ દેખે તો
 શું કરે ?”

“એ તો મારે જ, એમ નો લેવા દે.” એક હરિભક્તે કહ્યું.

મહારાજે આ એક કેરીની વાત આટલી કેમ લંબાવી ? તે કોઈને સમજાતું નહોતું પરંતુ શ્રીહરિની આ લીલા પાછળ ઘણો મર્મ સમાયેલો હતો. એ મર્મની વાત શ્રીહરિએ કરી, “જ્યાં કેરીની છત હોય અને રખોપું (ધણિયાતી) ન હોય ત્યાંથી પડેલી કેરી લે તે ચોરી ન કહેવાય પણ જ્યાં અછત હોય, રખોપું હોય ત્યાંથી પડેલી કેરી લેવી તે પણ પાપ. માટે આજથી સૌ નિયમ લ્યો કે પડેલી વસ્તુ લેવી નહીં.”

આમ, શ્રીહરિએ પોતાના આશ્રિતમાત્રને પ્રામાણિકતાની શ્રેષ્ઠ શીખ આપી.