શ્રીહરિ વણથાક્યા રાતોની રાતો વાતો કરતા. સંતો-હરિભક્તો પણ તત્પરતાથી રસપાન કરતા. પરંતુ ક્યારેક કોઈને સભામાં ઝોકું આવી જાય તેવું પણ બનતું. ત્યારે શ્રીહરિએ સૌને જાગૃત રાખવા, ઝોકું આવે તેને બેરખો મારવાનો નિયમ કરેલો.

એક દિવસ સદ્. મુક્તાનંદ સ્વામીને ઝોકું આવ્યું. શ્રીજીમહારાજે તેમના ઉપર પણ બેરખો ફેંક્યો. સ્વામી ઝબકી ગયા અને એકદમ ઊભા થઈ મહારાજને પગે લાગી બેરખો આપી આવ્યા. મહારાજે દાસત્વભાવે કહ્યું, “સ્વામી ! માફ કરજો. તમે તો અમારા પણ ગુરુ છો પણ અમારાથી પક્ષપાત થાય નહિ તો જ બધા દૃઢતાપૂર્વક નિયમ પાળે.”

“મહારાજ, નાનો હોય કે મોટો નિયમના બંધનો તો સૌએ સ્વીકારવાં જોઈએ; તો જ તેનું કલ્યાણ થાય.” દાસત્વની મૂર્તિ સમા સદ્. મુક્તાનંદ સ્વામીએ બે હાથ જોડી શ્રીહરિને કહ્યું.

આમ, શ્રીહરિ તેમના દાસત્વભાવથી મહારાજ તેમના પર અતિશે પ્રસન્ન થયા.