અત્યારે પોઢી જાવ સવારે પૂઠું ચડાવજો
ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીના શયનનું આસન તૈયાર કરવા સેવક સંત ગુરુજીના આસને ગયા. એ દરમ્યાન ગુરુજીનું સેવાકાર્ય ચાલુ હતું.
સેવક સંતે પોઢવા માટે આસન તૈયાર કરી દીધું.
ગુરુજી સેવા પૂર્ણ કરી શયન માટે ઊભા થયા. અને સેવક સંતને પણ પોઢવા માટે કહ્યું. સેવક સંતે હા કહી અને ગુરુજીનું ૨૦૨૩ના વર્ષનું નવું પ્લાનર પૂઠું ચઢાવવા માટે જોડે લીધું. ગુરુજીએ તેઓને પ્લાનર લેતા જોઈ પૂછ્યું, “સ્વામી, કેમ પ્લાનર લઈ જાવ છો ?”
પૂ. સંતે કહ્યું, “દયાળુ, પ્લાનરને પૂઠું ચડાવવા લઈ જઉં છું. કાલે સવારે પાછું મૂકી જઈશ.”
“સ્વામી, અત્યારે બહુ મોડું થઈ ગયું છે. વળી, તમે આખો દિવસ સેવામાં હતા તેથી થાકી ગયા હશો. તમે અત્યારે જાગીને પ્લાનરને પૂઠું ચડાવશો તો મહારાજ અમારા પર રાજી ન થાય.”
“પણ દયાળુ, સવારે આપને પ્લાનરની જરૂર પડશે માટે અત્યારે પૂઠું ચડાવી દઉં તો! બે મિનિટ જ થશે.” સેવક સંતે વિનંતીપૂર્વક કહ્યું.
“ના સ્વામી, અત્યારે પોઢી જાવ. સવારે પૂઠું ચડાવી દેજો અમારે એટલી વહેલી જરૂર નહિ પડે.”
સેવક સંત પથારીમાં આડા પડખે થયા અને ગુરુજીના મહાત્મ્યમાં ગરકાવ થઈ ગયા :
‘ખરેખર તો મારે પ્લાનર આપતા પહેલાં જ પૂઠું ચડાવવું જોઈએ. મારી પૂઠાં વગરનું પ્લાનર આપવાની ભૂલને અવગણી મારા પરમ કૃપાળુ ગુરુ કેવી મારી ચિંતા રાખે છે !!’