શ્રીહરિ ડડુસર પધારેલા. શ્રીહરિએ ડડુસરના પાદરમાંથી ભક્તરાજ ગલુજીને સંદેશો મોકલાવ્યો. પરંતુ એ જ ક્ષણે ગલુજીનાં માતુશ્રી ધામમાં ગયાં હતાં. તેથી મૂંઝવણમાં પડ્યા પરંતુ ક્ષણમાં જ ઉકેલ આણી માતુશ્રીને ચોફાળમાં બાંધી માળિયે મૂકી દીધાં અને પોતે સ્નાન કરી શ્રીહરિનાં દર્શન કાજે પાદરે આવ્યા.

શ્રીહરિનાં દર્શન કરતાં અતિ આનંદવિભોર થઈ પ્રાર્થના કરી, “દયાળુ ! આપ પધાર્યા છો, જમવાટાણું છે તો ઘેર પધારો.” અંતર્યામી શ્રીહરિ આ પરિસ્થિતિમાં પણ ગલુજીની સ્થિતપ્રજ્ઞતા તથા મહાત્મ્યની પરાકાષ્ઠા જોઈ રાજી થઈ જમવા પધાર્યા.

જમી રહ્યા પછી શ્રીહરિએ ગલુજીને કહ્યું, “અમે જઈએ ?” તેઓએ તરત હાથ જોડી મૂક સંમતિ આપી અને પાદર સુધી વળાવવા ગયા. પાદરેથી શ્રીહરિએ ગલુજીને કહ્યું, “ગલુજી, હવે જાઓ. તમારું કામ બાકી છે તે કરો.”

રસ્તામાં સદ્. મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને પૂછ્યું, “મહારાજ ! આપે ગલુજીને પાછા વાળતાં બાકી કામ પૂરું કરવાનું જે કહ્યું તે કાંઈ સમજાયું નહીં.” શ્રીહરિએ કહ્યું, “ સ્વામી ! ગલુજીએ તો આજે જે કામ કર્યું તેવું કોઈથી ન થાય.” એટલું કહી અંતર્યામીપણે વિસ્તારીને વાત કરી.

આમ, શ્રીહરિના સંગે સમજણ તથા નિષ્ઠાની દૃઢ ટેક રાખનાર ભક્તરાજ ગલુજીને કોટિ કોટિ પ્રણામ !!