સૌપ્રથમ વખતના આફ્રિકા વિચરણથી મંદવાડ ગ્રહણ કરેલ તથા ગુરુવર્ય પ.પૂ. બાપજીના પ્રાગટ્ય દિનની પૂનમના વધારે સ્ટ્રેસ (થાક)ને લીધે તા. ૫ માર્ચથી ૧૫ માર્ચ, ૨૦૧૫ દરમ્યાન વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ અવરભાવમાં મંદવાડલીલા ગ્રહણ કરી હોવાથી તેમને ઍપોલો હૉસ્પિટલમાં ઍડમિટ કરવામાં આવ્યા હતા.

વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને જમાડવા માટે સંતો દૂધના ઉપયોગથી બનાવેલ વાનગી હૉસ્પિટલમાં લઈ જતા. એ મુજબ તા. ૧૪ માર્ચના રોજ પણ સાંજે પૂ. સંતો પ.પૂ. સ્વામીશ્રી માટે દૂધના ઉપયોગથી બનાવેલી વાનગી લઈ ગયા. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સંતોના પ્રેમને વશ થઈ ઠાકોરજી જમાડવા બિરાજિત થયા.

ઠાકોરજી જમાડતાં જમાડતાં પ.પૂ. સ્વામીશ્રી અને સંતો વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો. પ.પૂ. સ્વામીશ્રી સંતોને લાભ આપતા હતા. આજરોજ પ.પૂ. સ્વામીશ્રીને હૉસ્પિટલમાં ઍડમિટ થયે ઘણા દિવસો થઈ ગયા હતા.

વળી, આવતી કાલે એટલે કે ૧૫મી તારીખે હૉસ્પિટલમાંથી રજા આપવાની ડૉક્ટરો સાથે ચર્ચા ચાલુ હતી એટલે પ.પૂ. સ્વામીશ્રીને જમવાનું પીરસતાં પીરસતાં એક સંતે પૂછ્યું કે, “દયાળુ, આવતીકાલે તો સ્વામિનારાયણ ધામ ઉપર આવવાનું થશે, નહીં ? સંતો, STKના મુક્તો ને ગુરુકુળના વિદ્યાર્થીમુક્તો બધાય આપનાં દર્શનની રાહ જોઈ રહ્યા છે.”

ત્યારે જેમના જીવનમાં પળે પળે મહારાજનું મુખ્યપણું જોવા મળે છે એવા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી જમાડતાં જમાડતાં તરત જ બોલ્યા, “મહારાજની ઇચ્છા હશે અને મહારાજ કાલે ધામ ઉપર લાવશે તો આવશું. આપણી ઇચ્છાથી ક્યાં કશુંય થાય છે ? મહારાજની ઇચ્છા મુજબ એ જેમ રાખે તેમ રહેવાનું ! મહારાજની ઇચ્છા હૉસ્પિટલમાં રહેવાની હોય તો હૉસ્પિટલમાં રહેવાનું ! સ્વામિનારાયણ ધામ ઉપર રાખવાની હોય તો ધામ ઉપર રહેવાનું ! બસ, મહારાજ જેમ રાખે તેમ રહેવાનું. એમાં આપણી કશી ઇચ્છા રાખવાની જ ના હોય. અરે, આપણો કોઈ સંકલ્પ પણ ન હોય. મહારાજ રાખે તેમ રહેવાનું.”

ત્યારે બીજા સેવક સંતે કહ્યું, “દયાળુ, મંદવાડલીલાને હવે રજા આપો ને ! ઘણો સમય થઈ ગયો. આપ તો સ્વતંત્ર છો !”

 ત્યારે પ.પૂ. સ્વામીશ્રી કહે, “કહ્યું ને મહારાજની મરજીથી જુદો આપણે બીજો કોઈ જ સંકલ્પ ન કરાય. એમની ઇચ્છા અને મરજીમાં રહેવું એ જ તો આપણો ધર્મ છે. અને એ પ્રમાણે રહે એને જ સેવક કહેવાય. જો આપણે આપણી મરજી પ્રમાણે કરાવીએ તો આપણે સેવક શાના ? મહારાજ આપણા સ્વામી છે અને આપણે એમના સેવકો છીએ. અને સ્વામીની મરજીમાં રહેવું એ જ સેવકનો ધર્મ છે. માટે બીજો કોઈ સંકલ્પ નહિ કરવાનો.”

કેવું શ્રીજીમહારાજનું કર્તાપણું ! કેવી ઠાકોરજીની મરજીમાં જ રહેવાની તત્પરતા ! આવા અતિ મંદવાડમાં પણ એમને મહાપ્રભુની મરજીમાં જ રહેવાનો કેવો આગ્રહ ! આપણને તો આર્થિક, શારીરિક થોડી તકલીફ પડે તો પ્રાર્થના થઈ જાય, સંકલ્પો થઈ જાય. જ્યારે આપણને શીખવવા તેઓ કેવું જણાવે છે કે, “જેમ ઠાકોરજીની મરજી હોય એમ જ રહેવું તે સેવકનો ધર્મ !” વાહ દયાળુ વાહ !!!