વર્ષ ૨૦૧૪ના એપ્રિલ માસનો આ પ્રસંગ છે. એ દિવસોમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી બપોરે ૧૧:૩૦થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન સંત રસોડામાં ઠાકોરજી જમાડવા માટે પધારતા. સ્વામિનારાયણ ધામ ખાતે ચાલી રહેલ એસ.ટી.કે.ના તાલીમાર્થી મુક્તોનો ઠાકોરજી જમાડવાનો સમય પણ આ જ હતો. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડ્યા બાદ અવારનવાર સમર્પિત મુક્તોને દર્શન આપવા અચૂક પધારતા.

 એક વખત વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડીને સમર્પિત મુક્તો જમાડતા હતા ત્યાં પધાર્યા. કોઈને ખબર ન હતી કે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા હતા. અચાનક કોઈક પ્રાર્થના કરતું હોય તેવો અવાજ સંભળાયો. બધા મુક્તોએ પાછળ જોયું તો વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સમર્પિત મુક્તોને દંડવત કરતાં કરતાં મહારાજને પ્રાર્થના કરી રહ્યા હતા.

 વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને દંડવત કરતાં જોઈ સમર્પિત મુક્તોએ તેઓને દંડવત કરતા ઝીલી લીધા અને દંડવત ન કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા.

 ત્યારે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “કેમ ?! અમારાથી તમને દંડવત ન થાય ?”

ત્યારે બધા મુક્તોએ કહ્યું, “દયાળુ, આપ ક્યાં અને અમે ક્યાં ? આપ અમારા સૌનું જીવન છો અને અમારા માટે તો મોટાપુરુષ છો, આપે અમને દંડવત કરવાના ન હોય ! મહારાજ અમારી ઉપર રાજી ન થાય !!”

 એમ કહી, સમર્પિત મુક્તો વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને દંડવત કરવા લાગ્યા.

ત્યારે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “કેમ દંડવત ન કરાય ?! તમે પણ મહારાજના મુક્ત છો. તમે બધાય મોટા જ છો. ખરા કે નહીં ?”

ત્યારે બધા મુક્તો બોલ્યા, “હા મહારાજ, અમે મુક્તો ખરા પણ આપની આગળ ને સૌની આગળ તો અમે સદાય નાના જ છીએ.”

 ત્યારે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “બસ, ત્યારે અમે તો મહારાજ અને મુક્તોના સેવક છીએ, દાસ છીએ. માટે અમારે પણ દંડવત કરવા જોઈએ.”