‘નહોતી દીઠી, નહોતી સાંભળી એવી રીત, શ્રીહરિએ પ્રર્વતાવી રે...’

સંવત 1869ના ભયંકર દુષ્કાળે સમગ્ર ગુજરાતને ભરખી લીધું હતું. આગલા વર્ષે તીડે કરેલું નુકસાન અને આ વર્ષે ભયંકર દુષ્કાળથી પૈસા દેતાંય ક્યાંય અનાજ નહોતું મળતું.

અંતર્યામી શ્રીહરિએ એભલબાપુને અગાઉથી ચેતવણી આપી જારની ખાણ ભરાવી દીધી હતી.

મહારાજે એભલખાચરને કહ્યું, “બાપુ, આપણે રાત્રિ સદાવ્રત શરૂ કરો.” “ભલે મહારાજ, પણ દા’ડે નહિ ને રાત્રે ? રાત્રિ સદાવ્રત કરવાનો આપનો કયો શુભ હેતુ છે દયાળુ ? ” એભલખાચરે કુતૂહલવશ પૂછ્યું. ત્યારે રાત્રિ સદાવ્રતનું રહસ્ય ખુલ્લું કરતાં મહારાજે કહ્યું, “અમે કેટલાય દિવસથી જોઈએ છીએ કે જીવાખાચરને ત્યાં સદાવ્રત ચાલે છે ત્યાં સંખ્યાબંધ લોકો આવે છે પણ બધાય ગરીબ-ગુરબાઓ. અત્યારે દુષ્કાળે એવું રૌદ્ર સ્વરૂપ પકડ્યું છે કે સુખી ઘરનાનેય અન્ન ને દાંતને આડવેર થઈ ગયું છે. સુખી ઘરના બિચારા દા’ડે અનાજ લેવા આવતા અચકાય છે, સંકોચ થાય છે. રાત્રે સદાવ્રત ચાલુ કરીએ તો સુખી લોકોને અંધારામાં અનાજ લેવા આવતા સંકોચ ન થાય માટે.”

શ્રીહરિની સૌ વિષેની દયાળુતાનાં દર્શન કરી એભલખાચર વિસ્મય પામી ગયા.