સેવાનો લાભ અમને મળે ક્યાંથી ??
તા. ૨૧થી ૨૭ ડિસેમ્બર, ૨૦૧૨ દરમ્યાન સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે SMVS સંસ્થાને ૨૫ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે સાત-દિવસીય રજત જયંતી મહોત્સવ ચાલી રહ્યો હતો. શિયાળાના દિવસો હતા. ખૂબ કડકડતી ઠંડી હતી. એટલે સ્વાભાવિક છે કે ગરમ પાણીથી ન્હાવું પડે.
મહોત્સવ દરમ્યાન રોજ સવારે કૅમ્પસનાં તમામ બિલ્ડિંગોમાં ગરમ પાણી આવતું હતું. પરંતુ ઝાઝો માસ (સંખ્યા) હોવાથી એક દિવસ સવારે સંત આશ્રમમાં ગરમ પાણી આવવાનું બંધ થઈ ગયું. બહુધા સંતોને સ્નાનાદિક ક્રિયા પૂરી થઈ ગઈ હતી. પરંતુ, બે સંતોને સ્નાન કરવાનું બાકી હતું એટલે જોડે રહેલા અન્ય સંતો ગરમ પાણીની વ્યવસ્થા કરવા માટે ગયા. આ બાજુ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને આ વાત ધ્યાનમાં આવી.
વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તરત જ આસનેથી ગરમ પાણીની બે ડોલ ભરીને પોતે સ્વહસ્તે ઉપાડી તે સંતોને બાથરૂમમાં ગરમ પાણી આપવા માટે પધાર્યા. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને ગરમ પાણી લાવતા જોઈને બંને સંતો મૂંઝવણ અનુભવવા લાગ્યા. એમને સંકોચ થયો.
આ જોતાં માતૃવત્સલ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તરત જ બોલી ઊઠ્યા, “કોઈ ચિંતા ન કરશો, મૂંઝાશો નહિ, તમને ગરમ પાણીથી સ્નાન કરાવવાની સેવાનો લાભ અમને મળે ક્યાંથી ??! હજુ જરૂર હોય તો બીજું ગરમ પાણી લઈ આવું ?!! તમે બધાય ન્હાવ... ભેળા મહારાજ ન્હાય. આ સેવા મને ક્યારે મળે ??! આહાહા !!”
જ્યારે સ્વયં શ્રીજીમહારાજ નીલકંઠવર્ણી રૂપે લોજમાં સંતોની નીચી ટેલની તમામ સેવાઓ કરતા; એવી જ રીતનાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીમાં પણ દર્શન થાય.