શ્રી હરિની કૃપાનું પરિણામ
અષાઢી સંવત 1871ની સાલમાં વલાસણમાં ધારાબાને ત્યાં રસોઈનો પ્રસંગ હતો. શ્રીહરિએ અહીં સંતો-ભક્તોને પિરસણ લીલાનું ખૂબ સુખ આપ્યું. આવો દિવ્ય માહોલ જોઈ સંતો વિચારમાં પડી ગયા કે, “આવું શ્રીહરિ સાથેનું વિચરણ, શ્રીહરિના હસ્તે દિવ્ય પ્રસાદ, દિવ્ય લીલાનો આસ્વાદ – આ બધું અમને કયા સાધનથી પ્રાપ્ત થયું હશે ??”
ત્યાં તો અંતર્યામી પ્રભુ હસતાં હસતાં બોલ્યા, “સંતો, એવું તમારું કોઈ સાધન નથી કે આ દિવ્ય સુખ તમને પ્રાપ્ત થાય ! પૂર્વે મોટા મોટા ઋષિમુનિઓ હજારો વર્ષ તપ કરીને રાફડા થઈ ગયા છતાં અમારા સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી. આજે અમે તમારી ભેગા રમીએ, જમીએ, ફરીએ છીએ તે આ કાંઈ સાધનથી નથી થયું; કેવળ અમારી કૃપાનું પરિણામ છે.”
સંતો શ્રીહરિની કૃપાથી ગદ્ગદિત થઈ ગયા.
શ્રીહરિની શીખ આપણને મળેલા વ્હાલા ગુરુજીની પ્રાપ્તિ અને એમના દ્વારા મળતા દિવ્ય લાભની સહજ અનુભૂતિ કરાવી જાય છે કે આ જોગ કેવળ એમની કૃપાસાધ્યનું પરિણામ છે.