અલ્યા, તને રસોઈ તો ફાવી ને !
આજે મોરબી સત્સંગ કાર્યક્રમમાં બપોરે 3:30 વાગ્યે પહોંચવાનું હતું.
ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાતઃ સભા બાદ ગાડીમાં જતાં રાજેશભાઈ અબાસણાને કહ્યુ કે, “આજે તારે મોરબી આવવાનું છે.”
આટલુ કહેતાં વળી પાછું પૂછ્યું, “તમે જમીને આવશો ?”
ત્યારે રાજેશભાઈ અબાસણાએ કહ્યું, “બાપા ! મહારાજે સેવકને નવું ઘર કરાવ્યું તેમાં પ.પૂ. સ્વામીશ્રી અને સંતોની રસોઈ થઈ; આપને જમાડવાના બાકી છે તે આપ ઘરે તો નહિ પધારો પણ વાસણા મંદિરે આજે રસોઈ આપી દઉં અને આપ રાજી હો તો મંદિરે જ પ્રસાદી લઈ લઉં. આપ જમો તો મારો સંકલ્પ પૂરો થાય.”
બાપા કહે, “એમાં કે’વાનું થોડું હોય ? તારું ઘર છે. તું તારે મંદિરે જ જમજે.”
અને રાજુભાઈ ઠક્કર ને ઘનશ્યામભાઈ મિરાણીને પણ જમવા બોલાવી લે. સૌ જમાડ્યા પછી મોરબી જવા ગાડીમાં બેઠા.
રસ્તામાં બાપાએ પૂછ્યું, “અલ્યા, તમે બધા જમ્યા તો ખરા ને ? રસોઈ ફાવી ? શાક ફાવ્યું ? રોટલી ફાવી ?”
એમ પૂછ્યું ત્યાં રાજેશભાઈએ કહ્યું, “બાપા ! સંતોની રસોઈ તો ફાવે જ ને !”
ઘનશ્યામભાઈ મિરાણી સાથે નહોતા તો માત્ર એક માટે તેમને ગાડીમાંથી ફોન જોડાવી પૂછ્યું, “અલ્યા, તને રસોઈ તો ફાવી ને ! તે લાડું કેટલા જમાડ્યા? ! બસ એક ? રોટલી કેટલી જમ્યો ?” એમ ઘનશ્યામભાઈને અને સૌને પૂછ્યું.
પછી રાજેશભાઈએ પૂછ્યું, “બાપા ! આપે દયા કરી રસોઈની સેવાનો લાભ આપ્યો તો આપ તો ઝાઝું જમ્યા ને ?”
ત્યારે બાપા કહે, “તેમ બધા જમ્યા ને એમાં હું ધરાઈ ગયો. મેં સિદ્ધાંતસ્વામીને કહ્યું કે, ‘પે’લાં આ બધાને જમાડજો... પછી મારા માટે લાવજો ને ઝાઝું પીરસજો.’ તે તમે બધા જમીને રાજી થાવ એ જ ખરું ભોજન કર્યું કહેવાય.”
સંતો પ્રતિ, માસૂમ તરુણ સમર્પિતો પ્રતિ અને ભક્તો પ્રતિ તેઓનો કેવો માતૃવાત્સલ્ય પ્રેમ છે તેની શાખ તેઓ થકી આવો માતૃવાત્સલ્ય પ્રેમ અનુભવનારના શબ્દોમાં પુરાય એમ છે.