ગુરુવર્ય પ.પૂ. બાપજીને હૃદયની બાયપાસ સર્જરી કરવી જરૂરી હતી. પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતોની પ્રાર્થના-વિનંતીથી તેઓએ સંમતિ આપી. એટલે બાયપાસ સર્જરી ક્યાં કરવી ? કોની પાસે
 કરાવવી ? તેની તજવીજ પ.પૂ. સ્વામીશ્રી તથા સંતો-હરિભક્તો કરતા હતા. એમને ચિંતા હતી મહારાજની અણીશુદ્ધ આજ્ઞામાં ફેર ન પડી જાય તેની ! એમની સાધુતામાં રતિમાત્ર આંચ ન આવે તેની !! સામાન્ય રીતે હૉસ્પિટલમાં દર્દીને ઑપરેશન વખતે ડૉક્ટર્સ સાથે મદદમાં નર્સની ડ્યુટી હોય. એટલે એમને ચિંતા હતી કે, “ઑપરેશન સમયે બેભાન હોઈએ ત્યારે ઑપરેશન થિયેટરમાં કોણ કોણ હોય ખબર કોને પડે ? ડૉક્ટર્સના નિયમ મુજબ નર્સો સાથે રાખવી જરૂર પડે તો...! મહારાજની આજ્ઞા લોપાઈ જાય. સાધુની સાધુતામાં ફેર પડ્યો કહેવાય.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ.પૂ. સ્વામીશ્રીને બોલાવ્યા. પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મૂંઝવણ રજૂ કરી, “સ્વામી ! ઑપરેશન આપણે કરવું નથી.”

પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “કેમ ?”

“સ્વામી, મહારાજની આજ્ઞા એટલે આજ્ઞા. એ લોપીને કશું કરવું નથી.” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું.

 પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “બાપા ! પણ કોઈ આજ્ઞા લોપાવાની જ નથી.”

 “પણ ઑપરેશન વખતે ડૉક્ટર્સ સાથે નર્સ (સ્ત્રીઓ) તો હશે જ ને ? એટલે ઑપરેશન માંડી વાળીએ. મહારાજની મરજી હશે એમ થશે.” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું.

પ.પૂ. સ્વામીશ્રી પરિસ્થિતિ પામી ગયા. તેઓએ કહ્યું, “બાપજી ! ઑપરેશન વખતે ફક્ત ડૉક્ટર્સ જ હાજર રહેશે. એમની સાથે કોઈ જ નર્સોની જરૂર ન પડે કે ન તેઓ આવે એવી જ વ્યવસ્થા ને એવી જ હૉસ્પિટલમાં નક્કી કર્યું છે.” આટલું સાંભળતાં જ ગુરુવર્ય પ.પૂ. બાપજીને હાશ થઈ. તેઓ હળવા થયા.અણીશુદ્ધ સાધુતા ને અણીશુદ્ધ આજ્ઞામાં રહેવાની-વર્તવાની નેમવાળા; વિકટ સ્થિતિમાં પણ ઝીણામાં ઝીણી આજ્ઞામાં વર્તવાવાળા – જે ગુરુવર્ય પ.પૂ. બાપજી જેવા તો કો’ક જ અસાધારણ સત્પુરુષો હોય છે.