દ્રોહીનું હિત કરતા શ્રીહરિ
“કાંઈ જોઈતું કરતું હોય તો માગી લેજો ભાઈ ! પણ જરીયે મૂંઝાશો નહીં. અમારા ભગવાન સ્વામિનારાયણે અમને આજ્ઞા કરી છે કે આ સિપાઈઓને નિત્ય ઘી-ગૉળ ને રોટલા ઘડી આપજો ને દરબારમાં બધી સુવિધાઓ આપજો.”
વાત એમ હતી કે બાપુ જીવાખાચરની કાનભંભેરણીથી ભાવનગર રાજા વખતસિંહે દાદાખાચરના અનાજનાં ખળાં પર ચોકી પેરો ગોઠવી દીધો. ચોકી કરવા દસ સિપાઈને મૂક્યા હતા.
શ્રીહરિ એટલા દયાળુ કે જે સિપાઈ કોઈ અનાજનાં ખળાં ન ઉપાડે તે માટે ચોકી કરતા હતા તે સિપાઈઓને સવાર-સાંજ પ્રેમથી જમાડવાની આજ્ઞા દરબારના બાઈ હરિભક્તોને કરી હતી. સિપાઈઓના અંતર બાઈ હરિભક્તોના મુખેથી ઉપરોક્ત વચનો સુણતાં વલોવાઈ જતાં કે, ‘ઘરમાં જમવાનું ન મળે તેવું ભોજન આ શ્રીહરિના હરિભક્તો આપણને આપે છે છતાં તેમનાં જ ખળાં ઉપર આપણે ચોકી કરવા બેઠા છીએ, એમનું જ ખાઈને એમનો જ દ્રોહ કરીએ છીએ.’
જે એમના દ્રોહી છે એમનું પણ હિત કરતા શ્રીહરિનું નામ એટલે જ પડ્યું છે ને “અધમ ઉદ્ધારણ...”