તા. 12-4-17ના રોજ પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતો ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ ખાતે પધાર્યા.

વિદેશગમન પહેલાં પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદ અર્થે વાસણા પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ.પૂ. સ્વામીશ્રીને આજ્ઞા કરતાં કહ્યું,

"સ્વામી, મહારાજનો સંકલ્પ પ્રબળ બન્યો છે માટે ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ જાવ છો તો ત્યાં કારણ સત્સંગનું નૂતન કેન્દ્ર કરવા જમીન શોધીને જ આવજો. ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં બધાયને ઘરના ઘર થયાં પરંતુ આપણા મહારાજનું ઘર થયું નથી."

પ.પૂ. સ્વામીશ્રી ઑસ્ટ્રલિયા પધાર્યા, બ્રિસ્બેનમાં શિબિર ગોઠવાઈ. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ ખાતે શિબિર ગોઠવાઈ. શિબિરમાં પ.પૂ. સ્વામીશ્રી એમના સેશનમાં લાભ આપી, પછીના સમયમાં જમીન સંપાદનની સેવા માટે પધારી જતા.

ઘણીબધી જગ્યાઓ જોવામાં આવે, કોઈક જમીન મોંઘી હોય તો કોઈક પ્રશ્નોવાળી હોય. તે તમામ પ્રશ્નોના નિવારણ રૂપે ત્યાંના સ્થાનિક લીગલ ડિપાર્ટમેન્ટ સંલગ્ન હરિભક્તો સાથે મિટિંગો થતી.

મિટિંગમાં પ.પૂ. સ્વામીશ્રીને રાત્રે ઘણી વાર મોડું થતું. મિટિંગને લીધે ઘણી વાર જમાડવાનું બાકી રહી જતું. પ.પૂ. સ્વામીશ્રી રાત્રે 10:00 વાગ્યા પછી જમાડે તો અવરભાવમાં સખત એસીડીટી થઈ જાય. છતાંય અવરભાવને અવગણી 11:00 વાગ્યે મિટિંગ પૂર્ણ કરી ઠાકોરજી જમાડતા.

પ.પૂ. સ્વામીશ્રીનો આગામી પ્રોગ્રામ સિડની શહેર ખાતે હતો. તેથી જમીનની કાર્યવાહી પૂર્ણ કરવા પૂ. સંતોને ન્યૂઝીલેન્ડ રોકાવાનું કહ્યું.

પ.પૂ. સ્વામીશ્રી ચાલુ પ્રોગ્રામમાં પણ જમીન માટે પૂ. સંતોનું ફોલોઅપ લેતા.

આથી એક વાર સેવક સંતે પ.પૂ. સ્વામીશ્રીને પ્રાર્થના કરતાં કહ્યું, "દયાળુ આપ જમીન સંપાદનની સેવા માટે ઘણો દાખડો કરો છો. આ માટે આપે આપના અવરભાવના સ્વાસ્થ્ય સામે જોયું નથી. શા માટે મહારાજ આટલો બધો દાખડો ?"

"આ બધો જ દાખડો કેવળ ને કેવળ ગુરુવર્ય પ.પૂ. બાપજીનો સંકલ્પ પૂર્ણ કરવા માટે જ છે. એ અમારું જીવન છે; પ્રાણ છે; એમના વચન અને સંકલ્પ અમારો શ્વાસ છે. એમના માટે શું ન થાય ?"

કેવો ગુરુનો મહિમા ! ગુરુના વચને ટુક ટુક થવાની, ખપી જવાની અને યાહોમ કરી દેવાની કેવી ખુમારી !