જોગીદાસના દ્રષ્ટિ સંયમથી શ્રીહરિની પ્રસન્નતા
સવંત 1885માં ભગવાન શ્રીહરિ જીવાખાચર(દાદાખાચરના કાકા)ને ધામમાં તેડી ગયા.
તેઓના કારજ (શ્રદ્ધાંજલિ) પ્રસંગે દેશોદેશથી સ્નેહીજનો આવેલા. તેમાં જોગીદાસ ખુમાણ પણ હતા.
જોગીદાસ બહારવટિયા હતા. પરંતુ તેઓ દાદાખાચરના સ્નેહી હતા.
જીવાખાચરની કારજની વિધિ પૂર્ણ થતાં જોગીદાસ ખુમાણ દાદાખાચરના દરબારે ભગવાન શ્રીહરિનાં દર્શને આવ્યા.
મહારાજે જોગીદાસને પ્રેમથી બોલાવી પોતાની સન્મુખ બેસાર્યા.
ભગવાન શ્રીહરિએ જોગીદાસને પૂછ્યું.
“જોગીદાસ ! અમે સાંભળ્યું છે કે એક વખત તમારાથી પરસ્ત્રી સામું જોવાઈ ગયું, તેથી તમોએ આંખમાં મરચાં ભર્યાં હતાં. તે કયા વિચારથી તમે આવું કર્યું ?”
જોગીદાસે કહ્યું, “મહારાજ ! હું જોગીઓનો દાસ કહેવાઉં, તે મારાથી પરસ્ત્રી સામું કેમ
જોવાય ? અને જોઉં તો મારા ગુરુ લાજે, એટલે હુ બીજી વખત આવું કૃત્ય કરતા અટકાઉં તે હેતુથી આંખમાં મરચાં ભર્યાં હતાં !”
ભગવાન શ્રીહરિ જોગીદાસનો ઉત્તર સાંભળી રાજી થયા કે, “આ ભલે બહારવટિયો છે, પણ નિષ્કામી વર્તમાનમાં શૂરો અને પૂરો છે.”
ત્યારે શ્રીહરિએ સભામાં બેઠેલા સંતો-ભક્તોને ઉદ્દેશીને કહ્યું,
“સાંભળો સંતો-ભક્તો ! આ જોગીદાસને પોતાના ગુરુની કેટલી લાજ છે ! આપણને પણ આપણા ઇષ્ટદેવની લાજ હોય તો આપણાથી નિયમ-ધર્મ પળે; નહિ તો ન પળે.”