૧૦૩° તાવમાં પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સખત સેવા કરી.
ઈ.સ. 1990-91માં વાસણા ‘મૂર્તિધામ' હૉલનું નિર્માણકાર્ય ચાલતું હતું. એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજીનું શરીર 103° તાવથી અંગારાની જેમ તપતું હતું. માથામાં અસહ્ય દુખાવો અને પેટમાં ચૂક આવતી હતી. તાવના કારણે કશું જમાતું પણ ન હતું.
શરીર અશક્ત થઈ ગયું હતું. તેમ છતાં ગુરુવર્ય પ.પૂ.બાપજી મૂર્તિધામ હૉલની સેવામાં ઈંટો છોલવા તથા રોડા ભાંગવા ઈંટ પર આસન કરી બિરાજ્યા હતા. હથોડી ઊંચી કરે કે ચક્કર આવી જાય તેવી પરિસ્થિતિમાં સેવા ચાલુ જ રાખી.
પ.પૂ.સ્વામીશ્રી તથા હરિભક્તોએ ગુરુવર્ય પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી કે, “બાપજી, દયા કરીને સેવા રહેવા દો. આપને માથામાં અસહ્ય દુખાવો થાય છે, અશકિત ખૂબ જ છે માટે સેવામાં હાથ પણ સાથ આપતા નથી. માટે આપ આરામ કરવા પધારો...”
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું,“ખેડૂતે તાવને હળે જોડ્યો હતો તો જતો રહ્યો. તેમ આપણે સેવા કરવા માંડીએ એટલે તાવ જતો રહે.અમને કશું જ થયું નથી. જાવ અમારી તમને આજ્ઞા છે,તમે તમારી સેવામાં જોડાઈ જાવ.” કોઈ કાંઈ બોલી શક્યું નહીં.
પ.પૂ.સ્વામીશ્રીના ચરણ ભારે થઈ ગયા. તેઓનું હૃદય ખૂબ જ રડતું હતું. પણ ગુરુવર્ય પ.પૂ.બાપજી આગળ કેમ બોલવું ?
સવારના દસ વાગ્યાથી ઈંટ ઉપર બિરાજમાન થઈ રોડા ભાંગતા હતા તો સાંજે સાત વાગ્યે તે જગ્યાએથી ઊભા થયા ત્યારે એક ડગલું પણ ચાલવાની શરીરમાં શક્તિ રહી ન હતી.
તેઓનો આવો સેવા કરવાનો આગ્રહ જોઈ સાથે રહેલા સૌ સંતો-હરિભક્તોનાં નેત્ર અશ્રુથી ભરાઈ ગયાં.
“બાપજી, અમે આપના સેવક છીએ એટલે આજે તો તમારે અમારી એક વાત માનવી પડશે. આપને જ્યાં સુધી મંદવાડ ન ટળે ત્યાં સુધી આપે સેવા નથી કરવાની. આપની સેવા અમે કરીશું. અમે 18 કલાક સેવા કરીશું પણ આપે સેવા નથી કરવાની.” આમ પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી.
“સ્વામી, સાધુથી આરામ ન કરાય. સાધુ સેવાથી શોભે. મહારાજની આ રુચિ અમે લોપી નથી એટલે અમને સેવા કરવા દો.” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું.
આહાહા ! કેવી સેવાની મૂર્તિ !!! ગુરુપદનો કોઈ ભાર જ નહીં !!!