હૉસ્પિટલના નિર્માણકાર્ય વિષે પૂ. સંતોને આદર્શતાના પાઠ શીખવ્યા.
SMVS સંસ્થા આધ્યાત્મિકની સાથે સામાજિક સંસ્થા છે, એ ન્યાયે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની અનુજ્ઞાથી SMVS દ્વારા વર્તમાન સમયે સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરમાં SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલનું નિર્માણકાર્ય ચાલુ છે.
આ હૉસ્પિટલનું નિર્માણકાર્ય જ્યારે શરૂ કરવાનું હતું ત્યારે પૂ. સંતોએ પ.પૂ.સ્વામીશ્રીને તમામ પ્લાનિંગ જણાવ્યા. પ્લાનને નિહાળતાં શ્રેષ્ઠતાને વરેલ વિભૂતિ એવા પ.પૂ.સ્વામીશ્રી પૂ.સંતો પરત્વે બોલ્યા,
“સંતો, આ હૉસ્પિટલ કરો છો તો શ્રેષ્ઠ કરજો; નહિ તો ન કરતા.આપણું દરેક કાર્ય શ્રેષ્ઠતાને વરેલું હોવું જોઈએ. અને હા... બીજાને દેખાડવા માટે તો નહિ જ... એનાથી મહારાજ રાજી ન થાય. માટે આ વાતનો સતત ખ્યાલ રાખવો.”
માત્ર હૉસ્પિટલના શ્રેષ્ઠ નિર્માણકાર્ય કરવાની ટકોર સાથે પૂ. સંતોને પોતાના કાર્યક્ષેત્ર અને સ્વજીવન બાબતે આદર્શતા કેળવવા પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું,
“આપણા જીવનમાં કોઈ પણ કાર્ય કરીએ તે શ્રેષ્ઠ કરવા તરફ લક્ષ્ય રાખવું પણ કરવા ખાતર કશું જ ન કરવું. હરિભક્તો પણ શ્રેષ્ઠ તૈયાર કરો. મહારાજે આપણને સંત કર્યા છે તો શ્રેષ્ઠ સંત થવાય તેવો ધ્યેય રાખવાનો. માટે સંતો શ્રેષ્ઠ સંત થજો.”
આમ, પ.પૂ. સ્વામીશ્રીએ હૉસ્પિટલ નિર્માણકાર્યના મિષે પોતાના વ્હાલા પૂ. સંતોને આદર્શતાના પાઠ શીખવ્યા.
હૉસ્પિટલ નિર્માણ ચાલુ થયું ત્યારથી અદ્યાપિપર્યંત હૉસ્પિટલ કાર્ય સંબંધિત તમામ મિટિંગો (બેઠકો)માં પ.પૂ. સ્વામીશ્રી હૉસ્પિટલની સેવામાં સહભાગી રહેનાર સર્વે પૂ. સંતો તથા હરિભક્તોને શરૂઆતમાં જ આદર્શતાના પાઠ શીખવે છે અને એ તરફ જ લક્ષ્ય વધુ રખાવે છે.