દાદાખાચરના પરિવાર ઉપર શ્રીહરિનો રાજીપો.
એક સમયને વિષે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરને વિષે બિરાજમાન હતા.
સંતો-હરિભક્તો મહારાજની પુષ્પહારથી પૂજા કરતા હતા. પછી મહારાજ ઊઠી અને દાદાખાચરના ઓરડે ગયા.
ત્યાં જઈ બાઈઓને કહે, “બહાર જાવ. ઓરડામાંથી સામાન લેવો છે !”
બાઈઓ બહાર ગયા બાદ સર્વે સંતો-પાર્ષદોને બોલાવ્યા અને કહ્યું,
“આ દાદાખાચરના પટારા, વાસણ, ઢોલિયા વગેરે સામાન બીજા ઓરડામાં લઈ લો.”
સામાન ફેરવાવી મહારાજ લીંબતરુના વૃક્ષ હેઠે ઢોલિયા પર આવી બિરાજ્યા. ત્યારે સદ્. મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને બે હાથ જોડી વિનયવચને કહ્યું,
“મહારાજ, દાદાખાચર દરબાર કહેવાય અને વળી ગામધણી પણ કહેવાય ! તેમનો ઉતારો વારંવાર ફેરવવો તે સેવકને યોગ્ય ન લાગ્યું, છતાં આપ અંતર્યામી અને દયાળુ છો, આપ જેમ રાજી હોય તેમ.”
“મુક્તાનંદ સ્વામી ! અમે દાદાના ઉતારા નથી ફેરવતા. અમો તેમનાં અંતઃકરણ સામે જોઈએ છીએ. અમોએ જે જે વચન કહ્યાં તેમાં તેઓ નિઃસંશય થઈને વર્તતા ગયા, અમારા વચનમાં કયારેય સંશય કર્યો નથી, આવી નિઃસંશય ભક્તોની ભક્તિને જોઈને અમો વશ થઈ જઈએ છીએ.”
અને વળી ભગવાન શ્રીહરિએ દાદાખાચર અને તેમના બહેનોની ભક્તિને જોઈને કહ્યું,
“દાદાખાચર આત્મનિવેદી છે. વળી, તેમના બહેનો બ્રહ્મચર્યવ્રતમાં શૂરા ને પૂરા છે. તેમના આવા નિયમો અને અમારા ગમતા, રુચિમાં અખંડ વર્તવાના સ્વભાવને દેખી અમો અહીં ટક્યા છીએ અને વશ છીએ.”