સેવાપરાયણ જીવન જોઈ અન્ય સંસ્થાના સંતોને નંદસંતોના દર્શન થયા
ઈ.સ.1990-91માં વાસણા મૂર્તિધામ હૉલનું કામ ચાલતું.
આ અરસામાં અન્ય સંસ્થાના કોઈ સંતો ત્યાં પધાર્યા.તેમણે સેવા કરતા હરિભક્તોને પૂછ્યું,“તમારા ગુરુ ક્યાં છે?”
ત્યારે હરિભક્તોએ કહ્યું,“આ પેલા દેખાય એ અમારા ગુરુવર્ય પ.પૂ.બાપજી.તેઓ અહીં પડેલી કપચી જાતે વીણે, પહોળી થઈ ગયેલી રેતી ઢગલામાં ભેગી કરે, સેન્ટ્રિંગના સળિયા બાંધતાં વેરાઈ ગયેલા તારને ભેગા કરે છે,ખીલીઓ વીણવા જેવી સેવા ઠાકોરજીની વસ્તુનો બગાડ ન થાય તે માટે જાતે જ તેઓ કરે છે.મજૂરો ક્યાંય માલનો,પાણીનો કે રેતી-સિમેન્ટનો બગાડ કરે તો તેમને દુ:ખ થાય કે આ ઠાકોરજીની વસ્તુનો બગાડ કરે છે.માટે કોઈ હરિભક્ત કે મજૂરને એક વાર ટોકે અને ન કરે તો તેઓ જાતે જ કરી લે.એટલું જ નહિ,સિમેન્ટની ખાલી થેલીની સિલાઈ કાઢી તેને જાતે ધોઈ તેમાંથી પાથરણાં બનાવડાવે.આ બધું ખૂબ જ મહિમાથી પોતે કરે અને સૌ સંતો-ભક્તો પાસે કરાવે છે.અમારા ગુરુ એટલે સેવાની મૂર્તિ.”
સંસ્થાના ગુરુપદે હોવા છતાં આવી નાની સેવા કરતા જોઈ તે સંતે ગુરુવર્ય પ.પૂ.બાપજીને પૂછ્યું,“તમે ગુરુ થઈ નાની નાની સેવા કેમ કરો છો ?”
ત્યારે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કહ્યું,“સ્વામી, સાધુ તો માળા,પુસ્તક (વાંચન)અને સેવાથી જ શોભે.સેવા કરવી એ તો સાધુનો ધર્મ છે.આવી તનની સેવા તો સ્વયં શ્રીજીમહારાજ અને મોટા મોટા સંતો પણ કરતા.સેવા વગર તો મોટો સદગુરુ હોય તોય ન શોભે.”
ગુરુવર્ય પ.પૂ.બાપજીની વાત સાંભળી તે સંતોને અહોભાવ થયો.સાથે તેઓ ગુરુવર્ય પ.પૂ.બાપજીને વંદી રહ્યા. અને કહ્યું, “દેવસ્વામી,આપની સેવા જોઈ અમને નંદસંતો સાંભર્યા.તેઓની હૂબહૂ કૃતિ આપના જીવનમાં ઝિલાઈ છે. સ્વામી,આવી સેવાથી જ આપની સાધુતા સોળે કળાએ શોભે છે.”
સેવાને જ જીવનની શોભા ગણી નાની સેવા પણ નિર્માનીપણે કરી સાધુતાને શોભાવનાર ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન...