જીવાખાચરના અણુ જેટલા ગુણને મેરુ તુલ્ય ગણી શ્રીહરિએ કલ્યાણ કર્યું.
સંવત 1885માં ગઢપુરમાં જીવાખાચરને (દાદાખાચરના કાકા) દેહ મૂકવાનો અંતિમ સમય જેવું લાગ્યું તેથી તેમના દીકરી અમુલાબાઈએ મહારાજને કહ્યું,
“મારા બાપુ બહુ બીમાર છે અને ઘડી બે ઘડીમાં દેહ પડે તેવું લાગે છે માટે દર્શન દેવા પધારોને.”
શ્રીહરિએ અમુલાબાઈની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને બે-ચાર પાર્ષદ સાથે જીવાખાચરનાં ઓરડે દર્શન આપવા પધાર્યા.
ત્યાં ઢોલિયો ઢાળી આપ્યો તે ઉપર મહારાજ બિરાજમાન થયા.જીવાખાચર મહારાજને ચરણસ્પર્શ કરતાં દિલગીર થઈ ગયા. મહારાજે કહ્યું,“જીવાબાપુ ! ચિંતા ન કરો; તમારું કલ્યાણ હું કરીશ.
“મહારાજ ! મારું કલ્યાણ થાય તેવો હું નથી. મહારાજ ! આ મંદિર (ગઢપુર) થતા ભાવનગર દરબાર તરફથી મેં તકરાર કરાવેલ,ભાણખાચર તરફથી તમારા પાર્ષદોને મેં જ ઘા મરાવડાવ્યા હતા.વળી, દાદાખાચર સાથે અન્યાયે કરી મેં બહુ તકરાર કરી છે માટે હું દોષિત છું તે કેમ કરીને મારું કલ્યાણ થાય ?”
ત્યારે કરુણામય સ્વરૂપ કે જે પોતાના શરણાગતના દોષ પર્વત સમા હોય તેના અણુ જેટલા ગુણને મેરુ તુલ્ય ગણી જીવાખાચરને આશીર્વાદ આપતા અને તેમનો જમણો હાથ પોતાના હસ્તમાં લઈ ત્રણ તાલી વગાડતાં કહ્યું,
“અમે તમારું કલ્યાણ કરીશું.”
શ્રીહરિ આશીર્વાદ આપી દરબારમાં પધાર્યા ત્યાં સમાચાર મળ્યા કે, “જીવાખાચર ધામમાં પધાર્યા. તેનો અગ્નિસંસ્કાર થયો.”
એ દિવસની સાંજની સભામાં શ્રીહરિએ મુક્તમુનિને કહ્યું, “અમે જીવાખાચરના બે ગુણ જોઈને કલ્યાણ કર્યું.” ત્યારે મુક્તમુનિ કહે, “મહારાજ એવા તે કયા ગુણ હતા ?” ત્યારે શ્રીહરિએ કહ્યું,
“અમો એક વખત જીવાખાચરને ઘરે હતા ત્યારે અમને હાથધોણું (ડાયેરીયા) થયેલું ત્યારે જીવાખાચરે પોતાના ઘરમાં ખાડો કરી આપ્યો. અમે ના પાડી તો કહે, “તમારા વાસ્તે બધું કુરબાન છે.” એક એ ગુણ અને એક વાર અમો શેરડી જમતા હતા તે સુધારતા છરી વાગી ને આંગળીએ લોહી નીકળ્યું. તે જોઈ જીવાબાપુએ માથેથી સોનેરી કસબવાળું મેકર ઉતારી તેનો છેડો ફાડી બાંધી આપ્યું.
આમ, શ્રીહરિએ જીવાખાચરના અનેક ભૂલોને માફ કરી અને માત્ર બે ગુણ જોઈને અતિ દુર્લભ એવા અક્ષરધામની (મૂર્તિધામની) પ્રાપ્તિ કરાવી.