“મહારાજ, આપ ચિંતા ન કરો. સેવકને આજ્ઞા કરશો તો સેવક સંતોની સેવા કરવા ગઢપુર રોકાશે.”

વાત એમ હતી કે એક સમામાં ભગવાન સ્વામિનારાયણ અનંત મુમુક્ષુ જીવોને તથા પોતાના વ્હાલા સંતો-ભક્તોને દર્શન-સમાગમનું સુખ આપવા ચૈત્રી સમૈયામાં વડતાલ પધારતા હતા.

એ વખતે ગઢપુરથી સંતો પણ સાથે જવાના હતા. પરંતુ, એ વખતે અચાનક ૧૯ સંતો બીમાર પડ્યા. શ્રીજીમહારાજને સંતોની બીમારીના સમાચાર મળતા ચિંતિત થઈ ગયા.

સાંજના સમયે સભા ભરાઈને બેઠી હતી. શ્રીજીમહારાજનું મુખ ચિંતાગ્રસ્ત જણાતા સંતોએ પૂછ્યું,

“હે દયાળુ, આપ આજે પ્રફુલ્લિત મુખારવિંદે દર્શન નથી આપતા, તેથી આપને શાની ચિંતા છે ?”

“ચિંતા તો બીજી શું હોય ? પણ આ આટલા બધા સંતો બીમાર છે અને વડતાલ જવાનું છે. તો એ સંતોની સેવામાં કોણ રોકાશે ?”

દરેક સંતો-હરિભક્તો જાણતા જ હતા કે મહારાજ જ્યાં પધારે ત્યાં મહોત્સવ જેવું વાતાવરણ ખડું થઈ જાય. તેવો અલભ્ય લાભ છોડી કોણ રોકાય ?

પરંતુ સભામાં એક સંત ઊભા થયા અને મહાપ્રભુને બે હસ્ત જોડી ઉપરોક્ત પ્રાર્થના કરી.

મહારાજને આવું નિશ્ચિંતપણું અપાવનાર હતા સદ્. ગુણાતીતાનંદ સ્વામી.

શ્રીહરિએ તેમના પર અત્યંત રાજીપો વરસાવ્યો. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ કોઈ પણ નાનપ અનુભવ્યા વગર સૌ બીમાર સંતોની ખૂબ ભાવથી મહાત્મ્ય સમજી સેવા કરી હતી.

સૌ સંતોને સ્વસ્થ કરી, સૌને લઈ સદ્. ગુણાતીતાનંદ સ્વામી વડતાલ પધાર્યા.

મહારાજ સૌ સ્વસ્થ સંતો અને સદ્. ગુણાતીતાનંદ સ્વામીને જોઈ ખૂબ રાજી થઈ ગયા. અને રાજીપા રૂપે સૌના વતી સદ્. ગુણાતીતાનંદ સ્વામીને ઓગણીસ વખત ભેટ્યા.