શ્રીહરિએ ભગુજીને સંતો-ભક્તોનું મહાત્મ્ય સમજાવ્યું.
એક સમામાં જેતલપુરમાં શ્રીહરિ સંતો-ભક્તો સાથે તાળી વજાડતા ગંગામાને ત્યાં મધ્યાહ્ન ભોજન લેવા પધારતા હતા.
ભાદરવા મહિનો સૂર્યનો તાપ અતિશે તપતો હતો.તાપને લીધે શ્રીજીમહારાજના હજૂરી પાર્ષદ ભગુજીએ મહારાજના મસ્તક ઉપર છત્ર ધર્યું હતું. મહાપ્રભુએ બે-ત્રણ વખત હસ્તથી છત્ર દૂર કર્યું પણ છતાંય, ભગુજીએ જોરથી તે છત્રને પકડી રાખ્યું.
મહારાજ થોડુંક આગળ ચાલ્યા અને ઊભા રહી ગયા. છત્રનો હાથો જોરથી પકડ્યો તેથી ભગુજીના હાથમાંથી છત્ર છૂટી ગયું. મહારાજે છત્રને જોરથી જ નીચે પછાડ્યું તેથી બધા સળિયા છૂટા થઈ ગયા.
મહાપ્રભુના મુખ પર સહેજે રાજીપાના ભાવ દેખાવાને બદલે નારાજગીનાં દર્શન થતાં હતાં અને વક્ર દૃષ્ટિ કરીને ભગુજીને ઠપકો આપતાં કહ્યું,
“આ બધા સંતો-હરિભક્તો તાપમાં ચાલે છે અને તમે અમારા મસ્તકે શીદને છત્ર ધરો છો ?”
મહારાજ જ્યારે ભગુજીને ઠપકો આપતા હતા ત્યારે સાથે ચાલનારા સંતો-હરિભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા.
આવી રીતે શ્રીજીમહારાજ પ્રસંગોપાત્ત સંતો-હરિભક્તોનો મહિમા સમજતા અને સમજાવતા.