શ્રીહરિના અત્યંત રાજીપાના પાત્ર એટલે ગણોદના કાયાભાઈ.

કાયાભાઈની અઢાર વર્ષની ઉંમર થતા લગ્ન લેવાયા. લગ્નની જાન લઈને જતા કાયાભાઈને વિચાર થયો, “લાવને, શુભ કાર્ય કરવા જઉં છું તો મારા મહારાજનાં દર્શન કરતો જઉં.”

તે વિચારે શ્રીહરિનાં દર્શને કાયાભાઈ પધાર્યા. કાયાભાઈને મહારાજનાં દર્શન થતા રાજીના રેડ થઈ ગયા અને દંડવત કરવા લાગ્યા. પરંતુ શ્રીજીમહારાજે તેઓને ‘રાખો’ એવું પણ ન કહ્યું અને મુખારવિંદ ફેરવીને બિરાજેલા.

કાયાભાઈ શ્રીહરિના મુખના ભાવો પિછાની ન શક્યા. અંતે દંડવત કરતા જોઈ સદ્. મુક્તાનંદ સ્વામીએ મહાપ્રભુને પ્રાર્થના કરી,

“હે દયાળુ ! આ કાયાભાઈ ક્યારનોય આપને દંડવત કરે છે તો ‘રાખો’ એટલું તો કહો. વળી, જય સ્વામિનારાયણ તો કરો.”

શ્રીહરિએ મોં ફેરવી કમને જય સ્વામિનારાયણ કહ્યા. કાયાભાઈએ મહારાજને વિનવણી કરતા કહ્યું,

“હે દયાળુ ! આ સેવકના લગ્ન લેવાયા છે, જાન લઈને નીકળ્યો છું. મને આપના દિવ્ય આશીર્વાદ આપો.”

ત્યારે વધુ ન બોલતા શ્રીહરિએ માત્ર કાયાભાઈને ટાણે ટકોર કરતા કહ્યું,

“હે કાયાભાઈ જાવ, ભલે લગ્ન કરવા જાવ પણ જોજો દેહના દેહ સાથે લગ્ન કરવા નીકળ્યા છો પણ જીવના જીવન સાથે લગ્ન કરવાના રહી ન જાય હોં !!”

મહાપ્રભુ પોતાના જાણી પોતાનો અંતર્ગત અભિપ્રાય જણાવતા.