શ્રીહરિએ દિલગીર બની સદ્. મુક્તાનંદ સ્વામીને દંડવત કર્યા.
એક વખત અર્ધરાત્રિએ શ્રીહરિ અક્ષરઓરડીએ પોઢ્યા હતા. અચાનક જાગ્રત થઈ બ્રહ્મચારી પાસે જમવાનું માંગ્યું. બ્રહ્મચારીએ ગંગામાનો ઠુમરો આપી જમાડ્યા.
શ્રીહરિએ વધેલો પ્રસાદીનો ઠુમરો વિદ્યાર્થી સંતોને જમાડી ફરીથી પોઢ્યા. શ્રીહરિને પોઢેલા જોઈ સદ્. મુક્તાનંદ સ્વામી અને સદ્. ચૈતન્યાનંદ સ્વામી મહારાજની ચરણસેવા કરવા લાગ્યા.
શ્રીહરિ સવાર સુધી પોઢી રહેલા ત્યાં સુધી બંને સંતોએ ચરણસેવા કરી. મહારાજ સવારે જાગ્યા ત્યારે સદ્. મુકતાનંદ સ્વામીને ચરણસેવા કરતા જોઈ દિલગીર થઈ કહે,
“સ્વામી, તમે તો અમારા ગુરુના સ્થાને છો ને અમારી ચરણસેવા કરો તે ઠીક ન કહેવાય.”
આટલું કહી સ્વયં સર્વોપરી ભગવાન હોવા છતાં અવરભાવના વિવેકસાગર સમા શ્રીહરિ ઢોલિયેથી ઊતરીને સદ્. મુક્તાનંદ સ્વામીને દંડવત કરવા લાગ્યા.
આ જોઈ સ્વામી બહુ દિલગીર થઈ ગયા. ત્યારે મહારાજે કહ્યું,
“સ્વામી, આપ દિલગીર ન થાઓ, અપરાધ તો અમારાથી થયો છે.” એમ કહીને મહારાજ સદ્. મુક્તાનંદ સ્વામી પર બહુ રાજી થયા.