વૈરાગીને રોટલો ને ભાજી જમાડીને પોતાના ધામની પ્રાપ્તિ કરાવી.
એક સમયને વિષે ભગવાન શ્રીહરિ સંધ્યા આરતી બાદ સભા કરી બિરાજિત હતા. પોતાના મુખારવિંદ આગળ મોટા મોટા પરમહંસો સદ્. ગોપાળાનંદ સ્વામી આદિક બિરાજ્યા હતા.
સભામાં મહારાજ સૌને લાભ આપતા હતા. સમયનો ખ્યાલ ન રહેતા રાત્રિના અગિયાર વાગી ગયા. ત્યારે શ્રીહરિએ સૌને ઊઠવાની આજ્ઞા કરી.
શ્રીહરિનાં દર્શને આવતાં દામોદર ભક્ત ડેલીએ (દરવાજે) એક વૈરાગી સાધુ (સંન્યાસી) મળ્યા. વૈરાગી સાધુએ દામોદર ભક્તને દીનવચને કહ્યું,
“હું માંદો છું ને મને ભૂખ લાગી છે, માટે જમવાનું કંઈક હોય તો આપો.” દામોદર ભક્તને દયા આવી તેથી વિચાર્યું કે, ‘વૈરાગી સાધુના નામે જીવુબા-લાડુબા જમવાનું નહિ આપે તેથી યુક્તિ કરી.”
દામોદર ભક્તે જીવુબા તથા લાડુબાના ઓરડે જઈ કહ્યું,
“મહારાજને જમવું છે, માટે જમવાનું તૈયાર કરો.”
બંનેએ ઝડપથી બાજરાનો રોટલો અને તાંદળજાની ભાજી તૈયાર કરી આપી અને દામોદર ભક્તને આપ્યાં.
દામોદર ભક્તે વૈરાગી સાધુને થાળ આપવા જતા મહારાજે જોયા ને પૂછ્યું, “કોણ છે ?”
“એ તો હું દામોદર છું.”
“હાથમાં શું છે ?”
“રોટલો છે તે લઈને જઉં છું.”
“લાવો અમારે જમવો છે.”
દામોદર ભક્તે મહારાજને રોટલો ને શાક (ભાજી) આપ્યા. મહારાજે કહ્યું,
“દામોદર ! આ સમયે આ રોટલો ને ભાજી ક્યાંથી ?”
“મહારાજ ! એક બીમાર વૈરાગી ડેલીએ આવીને બેઠા છે તે ભૂખ્યા હોવાથી તમારા નામે મેં જીવુબા-લાડુબા પાસે રોટલો બનાવ્યો.”
“તો તો દામોદર મારાથી ન જમાય, (માત્ર એક ગ્રાસ મુખમાં મૂકી પ્રસાદીનું કરી કહ્યું) લઈ જા આ વૈરાગીને ઝટ જમાડી દે.”
દામોદર ભક્ત વૈરાગી સાધુને જમાડી આવ્યા.
મહારાજે કહ્યું, “દામોદર, ચાલ આપણે વૈરાગીને દર્શન આપવાં જઈએ.”
કરુણામૂર્તિએ વૈરાગી સાધુને રોટલો પણ જમાડ્યો ને દર્શન દેવા પણ પધાર્યા.”
દર્શન દઈ શ્રીહરિ અક્ષરઓરડીએ પધાર્યા અને રાત્રિ ચાર ઘડી ગયા પછી શ્રીહરિએ ખબર કઢાવી તો વૈરાગીએ દેહ છોડી દીધેલો.
પછી શ્રીહરિએ દામોદર ભક્તને કહ્યું,
“સવારે તે સંન્યાસીની દેહક્રિયા કરાવજો.”
આટલું કહી મહારાજ પોઢ્યા.
શ્રીહરિ તે વૈરાગીને અક્ષરધામમાં તેડી ગયા, એવા અલૌકિક દર્શન તે રાત્રિએ દામોદર ભક્તને થયા હતા.