ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એક સંગીતકારને રોકટોક કરી.
“આપણે દર્શને જઈશું ત્યારે વાહવાહ થશે, પ્રશંસાના પુષ્પો વેરાશે અને મારી પર મોટા ગુરુજી રાજીપો દર્શાવશે.”
એક સંગીતકાર ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શને આવ્યા ત્યારે તેઓ આ આશા-અરમાનો સાથે આવેલા. પરંતુ વાસ્તવિકતા જુદી જ બની.
“તમે કંઠી પહેરી છે ?” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂછ્યું.
“ના, દયાળુ.”
“ભાઈ, ભલે તમો સંતોને સંગીત શિખવાડો છો પણ પહેલાં કંઠી પહેરો. કંઠી તમારો મોક્ષ કરશે; સંગીત તમારો મોક્ષ નહિ કરે.”
સંગીતકાર આ સાંભળી આશ્ચર્યમુગ્ધ થઈ ગયા.
“આજ સુધી બધાએ મારો બરડો જ થાબડ્યો છે, કોઈએ સાચી વાત નથી કરી. ધન્ય છે આ ગુરુજીને જેઓએ મને મોક્ષનો માર્ગ બતાવ્યો.” અને પછી ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી :
“દયાળુ, દયા કરી કંઠી પહેરાવો.”
“તમારે કોઈ વ્યસન છે ?”
“હા દયાળુ, મારે ચા, દારૂ, માંસાહાર બધાં વ્યસન છે. અમારો કલાકારોનો ધંધો જ એવો કે દેશ-વિદેશમાં ફરવાનું માટે તે વિના તો ચાલે જ નહીં.”
“પણ દારૂ તો અભક્ષ્ય વસ્તુ કહેવાય માટે વ્યસન છોડી દો.”
“બાપજી એ તો શક્ય નહિ બને.”
“દારૂ પીવાથી મોક્ષનો માર્ગ બગડે અને બીજા કેટલાય જન્મ ધરવા પડશે. માટે જો તમે આજે બધાં વ્યસન છોડી દો તો અમે મહારાજને પ્રાર્થના કરીશું કે તેઓ તમારો છેલ્લો જન્મ કરી દેશે.”