શ્રીહરિએ સંતોને પરભાવની દૃઢતા કરાવી.
“વ્હાલા તારી મૂર્તિમાં મોહી મોહી રે,
પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે...”
સદ્. પ્રેમાનંદ સ્વામી રચિત આ કીર્તન ગાતાં ગાતાં સૌ સંતો એકાદશીએ રાત્રિના સમયે જેતલપુરના મહોલ પર બિરાજ્યા હતા.
એ સભામાં શ્રીહરિ મહોલ પર પધાર્યા. સૌ સંતો નિર્જળા ઉપવાસ હોવા છતાં પણ કીર્તન ગાતાં મહાપ્રભુની મૂર્તિનાં દર્શનનું રસપાન કરતાં તૃપ્ત થતા હતા. એવામાં એકાએક શ્રીહરિએ કીર્તનભક્તિ બંધ કરાવી.
“મહારાજ, આવો દિવ્યાનંદ એકાએક કેમ બંધ કરાવ્યો ?” સદ્. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું,
“સંતો, દિવ્યાનંદનું રહસ્ય દૃઢ થાય તે માટે તમને એક વાત કરું. સંતો, અમારો સંબંધ તમને કાયમ ત્યારે જ રહેશે જ્યારે અમારા સ્વરૂપની દૃઢતા થશે અને અમારે વિષે કદી મનુષ્યભાવ નહિ આવે ત્યારે.”
વળી, આ જ વાતને આગળ દોહરાવતા અને પરભાવની વધુ દૃઢતા કરાવતાં શ્રીહરિ બોલ્યા,
“પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો હરિજન સહુ,
અતિ રહસ્ય એકાંતની, એક વાલ્યપની વાત કહું.
આ સભામાં આપણ સહુના, તેજોમય તન છે,
છટા છૂટે તેજની, જાણું પ્રકટિયા કોટિ ઇન્દુ છે.”1
આમ, સૌ સંતોને એકાદશીને દિવસે પરભાવની દૃઢતા કરાવી.