મરજી જોઈ મહારાજના મનની, તેમાં રહીએ આઠું જામ.
એક વખત ભગવાન શ્રીહરિ ગઢપુર દાદાખાચરના દરબારમાં બિરાજ્યા હતા. તે સમયે મોરબી પાસે પીપળીયા ગામના ગણેશ ભક્ત આવ્યા.
મહારાજને ચરણસ્પર્શ કરી મહારાજના ચરણમાં ત્રણસો રૂપિયા મૂક્યા અને કહ્યું,
“મહારાજ ! આ રૂપિયા આપને અર્પણ અને આ રૂપિયામાંથી સંતોને તથા આપને રસોઈ કરી જમાડજો.”
ત્યારે મહારાજે મંદ મંદ હાસ્ય રેલાવતા ગણેશ ભક્તની કસોટી કરતાં કહ્યું, “રસોઈ દેવી છે કે અમે કહીએ તેમ કરવું છે ?”
ગણેશ ભક્ત બોલ્યા, “મહારાજ ! આપની મરજી હોય તેમ સેવક રાજી, મારે તો આપને રાજી જ કરવા છે ને.”
મહારાજે કહ્યું , “અમારે આ રૂપિયામાંથી કડિયાના પગાર ચૂકવવા છે.” બીજું સર્વે થાય પણ મનગમતું છોડવું એ અતિ કઠિન સાધના છે. પરંતુ મહારાજને રાજી કરવાનો ગણેશ ભક્તનો દૃઢ ઇશક હતો તેથી કહ્યું,
“મહારાજ ! મેં તો તમને રાજી કરવા સેવા કરી છે, આપ રસોઈ કરો તોય ભલે અને કડિયાને પૈસા ચૂકવો તોય ભલે !”
મહારાજ ગણેશ ભક્તના ગુરુમુખીપણાથી ખૂબ રાજી થયા.