ભગવાન ભુલાય તેવું કાર્ય ન કરવું.
એક વખત હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી અને અન્ય સંતો-હરિભક્તો એક હરિભક્તના પ્રિન્ટિંગ ઑફસેટના ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા હતા.
પ્રેસવાળા હરિભક્તે કેટલીક નવી ટેક્નોલોજીવાળું ફોર કલર મશીન નવું વસાવ્યું હતું.
તેમનો સંકલ્પ હતો કે, ‘બાપજી-સ્વામીશ્રીના પાવન પગલાં થાય અને આ અદ્યતન મશીનનું ઉદ્ઘાટન એમના હસ્તે થાય.’
આ માટે તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીને પ્રાર્થના કરી હતી.
ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીની પધરામણી થઈ.
મશીનનું પૂજન કરી તેમણે ઉદ્ઘાટન કર્યું. પછી ફોર કલર મશીન અંગે વાત કરી.
એ વખતે સાથે રહેલા એક સંતે સહસા જ પૂછ્યું કે, “ફોર કલર મશીનમાં બધા કલર એકસાથે કઈ રીતે છપાય ?”
હજુ તેમનો પ્રશ્ન પૂરો થાય તે પહેલાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તે સંતને ટકોર્યા, “સ્વામી, આપણે પ્રેસ કરવાનું છે ? સંસ્થામાં જ્યારે નવું પ્રેસ કરીશું ત્યારે જેને સેવા સોંપીશું તે જાણશે. સ્વામી, જરૂર વગરનું શું કામ જાણવું... પછી ભજન-ભક્તિ કરવા બેસીએ ત્યારે આ બધું સાંભરે.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તરત તે સંતને પાછા વાળ્યા.
‘જે વસ્તુની જરૂર નથી તે શા માટે જોવું-જાણવું ?’ એ ગુરુવર્ય પ.પૂ. બાપજીનો કાયમી સિદ્ધાંત રહ્યો છે.