તન વળે તો હરિ હરખે
એક વખત ગઢપુરમાં દાદાખાચરના કાકા જીવાખાચરે મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું. “મહારાજ, આપ દરરોજ દાદાની રસોઈ જમાડો છો; અમોને ક્યારેક તો લાભ આપો.”
મહારાજ બોલ્યા, “ભલે ત્યારે, આજે આપના દરબારમાં સંતો-હરિભક્તો સહિત થાળ જમાડવા પધારશું.”
જીવાખાચર તો રાજી થઈ પોતાના દરબારમાં પહોંચી રસોઈ કરવાની તૈયારી કરાવવા લાગ્યા. રસોઈ થઈ ગયા પછી સંતોની જમવા પંક્તિ થઈ અને મહારાજ પીરસવા આવ્યા.
જીવાખાચર ઊભા ઊભા બીજા હરિભક્તોને કહેતા હતા,
“આણી કોરથી પાણી લઈ જઈ તુંબડા ભરાવો ને આણી કોર ભરાવો.” મહારાજ તેમની વાતોમાં અહમ્ જોઈ રાજી ન થયા અને ટકોર કરતાં કહ્યું, “જીવાબાપુ ! તમે હાથમાં ઘડો લઈ પાણી ભરોને ! બીજા પાણી ભરશે તેમાં તમને શું પુણ્ય ?”
ત્યારે જીવાખાચરે કહ્યું, “મહારાજ આ રસોઈ આપી તે પુણ્ય નહીં ?”
“બાપુ, પૂર્વે જેમણે સાધુ-સંતોની તનની સેવા કરી તેઓ મુક્ત થયા છે અને જેમણે સંતોને માત્ર જમાડ્યા છે તેનું તો કોઈ નામેય જાણતું નથી માટે ધનની સેવા કરતાં તનની સેવાનું મૂલ્ય અધિક છે.”
આટલું સાંભળી જીવાખાચર મહારાજની રુચિ સમજી સૌ સંતો-હરિભક્તોને પાણી આપવા લાગ્યા.