પરહિતનું મૂર્તિમંત સ્વરૂપ ગુરુવર્ય પ.પૂ. બાપજી.
ઈ.સ. ૨૦૧૩માં એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી મોરબી સત્સંગ અર્થે પધાર્યા હતા.
સાંજનો સભાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. સાંજે રસોઈ કરી ઠાકોરજીના થાળ કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીને જમાડવાના હતા અને ત્યારબાદ સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપવાના હતા. પરંતુ સાંજે થોડું મોડું થઈ ગયું હતું એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજીની સેવામાં રહેલ સેવક સંત ઝડપથી રસોડું સાફ કરી રસોઈની તૈયારીમાં લાગી ગયા હતા.
આ બાજુ ગુરુવર્ય પ.પૂ. બાપજી બહાર આસન ઉપર હરિભક્તો સાથે મુલાકાતમાં હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી સભામાં લાભ આપવા માટે ઉત્સુક હતા.
સમયને ધ્યાનમાં રાખતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી પરિસ્થિતિને સમજતા હતા કે, ‘એક જ સંતથી ઝડપથી રસોઈ બની શકશે નહિ અને ઠાકોરજીનો થાળ મોડો થશે અને સભામાં જવાનું મોડું થશે.’ એટલે અચાનક ગુરુવર્ય પ.પૂ. બાપજી રસોડામાં પધાર્યા અને સેવક સંતને કહ્યું, “સ્વામી, તમે ભાખરીનો લોટ બાંધી દો...અને અમે ખીચડી મૂકી દઈએ છીએ. એટલે થાળ સમયસર તૈયાર થઈ જાય અને ઠાકોરજીના થાળનું મોડું ન થાય અને ટાઇમે સભા પણ ચાલુ થઈ જાય.”
સેવક સંત ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થનાના રૂપમાં ના પાડતા જ રહ્યા.
આ બાજુ અવરભાવમાં 81 વર્ષની ઉંમરે આ દિવ્યપુરુષ થાળી લઈ ખીચડી સાફ કરવા લાગ્યા. અને ખીચડી ધોઈ ગેસ ઉપર તપેલી મૂકી દીધી. એટલું જ નહિ ખીચડી ન થઈ ત્યાં સુધી તેમણે સાથે સાથે શાક પણ વઘારી દીધું...!
ખીચડી ઠાકોરજીના થાળ માટે તૈયાર થઈ રહી પછી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તરત શ્રીજીમહારાજને ધરાવવા ઠંડી કરીને થાળમાં મૂકી. ત્યારબાદ થાળમાં શાક પણ મૂક્યું.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક સંતની સાથે રહી ઠાકોરજીનો થાળ તૈયાર કરાવ્યો.
તેઓ એ દિવ્યપુરુષની અન્યને સમજવાની રીત જોઈ વારી ગયા...
આ દિવ્યપુરુષ એટલે કે આપણા વ્હાલા ગુરુજીમાંથી આપણે જેટલી પ્રેરણા લઈએ એટલી ઓછી છે.
અવરભાવમાં આ ઉંમરે આવી સેવા...!! પ.પૂ. બાપજી પોતે એસ.એમ.વી.એસ. સંસ્થાના સંસ્થાપક અને લાખોના ગુરુસ્થાને હોવા છતાં પરહિતનો માત્ર ઉપદેશ નહિ પણ સમયે એથી પણ અદકું વર્તન જણાવતા હોય છે... આજે એ આંખે દેખ્યું-અનુભવ્યું... ખરેખર આ દિવ્યપુરુષ પરમહિતનું મૂર્તિમંત સ્વરૂપ છે...’