તા.૧૨-૨-૨૦૧૮ના રોજ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ એમના આસને સેવક સંતને કહ્યું,

    “સ્વામી, અમને શ્રીજીમહારાજ પાસે લઈ જશો...? અમારે પ્રાર્થના કરવી છે...”

    “હા દયાળુ, આવ્યો...” સેવક સંત નિકટ આવી બોલ્યા.

    ગુરુવર્ય પ.પૂ.બાપજીને હસ્ત ઝાલી ઊભા કર્યા અને દીનભાવે બોલ્યા :

     “દયાળુ, અમે સાધનિક છીએ. પ્રાર્થના તો અમારે કરવાની હોય; પણ આપ સંપૂર્ણ પરભાવનું સ્વરૂપ છો... શ્રીજીમહારાજના અનાદિમુક્ત છો...”

     “સ્વામી,અનાદિમુક્તની સ્થિતિ એટલે શું ?” ચાલતાં ચાલતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂછ્યું.

    “અનાદિમુક્તની સ્થિતિ એટલે દાસપણાની ચરમસીમા.”

    “સ્વામી,શ્રીજીમહારાજે ખરો જવાબ કરાવ્યો.અમે શ્રીજીમહારાજના દાસ છીએ માટે અમારે પણ પ્રાર્થના કરવી છે.”

    શ્રીજીમહારાજની મૂર્તિ પાસે જઈ પુન:બોલ્યા :

     “સ્વામી, શ્રીજીમહારાજે આપણા પર કેવી કરુણા કરી છે ! એમનું ઋણ ચૂકવવા એમના ચરણે અનંત માથાં ધરી દઈએ તોય ઓછાં છે. એટલે દાસભાવે એમની વાતો કરવી, એમનો અપાર મહિમા ગાવો...” આમ બોલતાં બોલતાં એમના નેત્ર સજળ થયા.

    પછી તેમણે દાસભાવે શ્રીજીમહારાજને પ્રાર્થના કરી : “હે શ્રીજીમહારાજ ! મને નિરંતર આપનો મહિમા ગાવા લાવ્યા છો... આપના સિદ્ધાંત માટે લાવ્યા છો એટલે સદાય દોડાવજો... ભલે અવરભાવના ભાવ કામ કરે પણ મને જંપવા ન દેશો... દાસ ને દાસ જ રાખજો...”