શ્રીહરિએ વલુબા પરત્વે માતૃવાત્સલ્યતા દર્શાવી...
“નારાયણ હરે... સચ્ચિદાનંદ પ્રભો.”
“અરે સુરાબાપુ ડેલી ખોલો અમારા સાધુ ભિક્ષા માટે આવ્યા લાગે છે.”
શ્રીહરિ બોલ્યા.
સુરાબાપુએ કહ્યું, “મહારાજ, એ તમારા નહિ, અમારા સાધુ છે.”
“તમારા સાધુ વળી કોણ ?”
“એ તો અમારી દીકરી વલુ અમારા સાધુ છે. તેનો અવાજ છે.”
સુરાબાપુ વલુના બોલીના અનુકરણ કરવાના સ્વભાવથી પરિચિત હતા તેથી તેમને આશ્ચર્ય ન હતું પરંતુ શ્રીહરિએ પોતે જઈ ડેલી ખોલી તો સામે વલુ ઊભી હતી. તેને જોઈ શ્રીહરિ બોલ્યા, “વલુ તું નાની છે પણ જબરી છે. અમારા સાધુની જેમ જ બોલે છે. કેમ અમારા સાધુની જેમ આહ્લેક કરે છે ? આ અમારા સાધુની ભાષા છે.” વલુએ કહ્યું, “મહારાજ ભલેને સાધુની ભાષા હોય પણ સાધુય ભૂખ લાગે તો આવું જ બોલે ને ? તે મનેય ભૂખ લાગે ત્યારે આમ બોલું એટલે મં મં મળી જાય.”
શ્રીહરિ અતિશય રાજી થયા. પોતે રસોડામાં જઈ દહીં ને રોટલો લાવી સ્વહસ્તે વલુને કોળિયા વાળી જમાડવા લાગ્યા.
અનંતકોટિ બ્રહ્માંડના નાથ વલુને જમાડતા હતા તેનાં દર્શન કરી સુરાબાપુ અને શાંતિબા અતિશે હર્ષાયમાન થયાં. શ્રીહરિ માતૃવાત્સલ્ય પ્રેમ વહાવી બાળકોની જનની બની રહેતા.