શ્રીહરિ સત્સંગીના સત્સંગી બન્યા...
એક સમયે શ્રીહરિ દાદાના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. મહાપ્રભુએ નૌતમ લીલા કરી સામે બેઠેલા સંતો-ભક્તોને પૂછ્યું,
“તમે બધા ઢોલિયાના સત્સંગી છો કે સત્સંગીના સત્સંગી છો ?” શ્રીહરિએ વારાફરતી કહેવા માંડ્યું. બધાનો એક જ સૂર :
“મહારાજ અમે ઢોલિયાના સત્સંગી છીએ.” કારણ, તેઓ એવું સમજતા હતા કે ઢોલિયા ઉપર સ્વયં મહારાજ બિરાજ્યા છે માટે તે અધિક કહેવાય.
“વારુ, ઢોલિયાના સત્સંગી હોય તે આ ઢોલિયા પાસે આવીને બેસે.”
આટલું શ્રીહરિએ કહ્યું ત્યારે આખી સભા ઊભી થઈ ઢોલિયા પાસે બેસી ગઈ પરંતુ પર્વતભાઈ તો પોતાના સ્થાને જ બેસી રહ્યા.
“તમે ઢોલિયાના સત્સંગી નથી ?” પર્વતભાઈને દૂર બેઠેલા જોઈ શ્રીજીમહારાજે પૂછ્યું.
“મહારાજ, હું તો તમારા સત્સંગીનો સત્સંગી છું.” પર્વતભાઈનો જવાબ સાંભળી શ્રીજીમહારાજ ખૂબ રાજી થયા.અને પર્વતભાઈની પાસે જઈને બેઠા.
સંતો-હરિભક્તોએ મહારાજની આવી આશ્ચર્યકારી લીલા જોઈ પૂછ્યું કે,
“મહારાજ ! આમ કેમ કર્યું ?”
“ઢોલિયો તો એ પડ્યો, તમે તેનો સમાગમ કરો. અમે તો સત્સંગીના સત્સંગી છીએ. અને ભક્તના પણ ભક્ત છીએ.”