ભગવાનદાસ ભાવસારની મુમુક્ષુતા પારખી મહારાજ તેમને સામે ચાલી ભેટ્યા.
એક ગામના ભગવાનદાસ ભાવસારની માતા ખૂબ મુમુક્ષુ. ભગવાન પામવાની તાલાવેલી તેથી પોતાના દીકરા ભગવાનદાસને કહ્યું
“દીકરા ! તું ભગવાનને ખોળીને આપણે ઘરે તેડી લાવ.”
“મા ! મારે ભગવાનને કેમ ઓળખવા ?”
“ભગવાનને કદી ઓછાયો (પડછાયો) ન હોય.” આ વાર્તાલાપ સાંભળી ભગવાનદાસના પત્ની બોલ્યાં, “જે ભગવાન હોય તેની આગળ દીવો કરવાથી પાછળ સોંસરો દેખાય.” વળી ભગવાનદાસ બોલ્યા જે, “મને એક બ્રાહ્મણે કહ્યું હતું જે ભગવાનના ચરણમાં સોળ ચિહ્ ન હોય.”
પછી તો ભગવાનદાસ ભગવાન પામવા નીકળતા હતા ત્યારે તેની પત્ની રોવા લાગ્યા. ત્યારે ભગવાનદાસે કહ્યું, “તારું ખરેખરું પતિવ્રતાપણું હશે ને મારી ‘મા’નો ખરેખરો ભાવ હશે ને મારો ખરેખરો પ્રેમ હશે તો ભગવાન જરૂર ભેટશે.”
અને ભગવાનદાસ ચાલ્યા ત્યાં એ જ ગામની નદીના કાંઠે નીલકંઠ વર્ણી બેઠા હતા.
તે મહારાજે સામે ચાલીને તેમને નામ દઈને બોલાવીને કહ્યું,
“તારે ભગવાન ખોળવાની ઉતાવળ હશે પણ મારા પગમાં કાંટો વાગ્યો છે તે કાઢતો જા.” ભગવાનદાસે આવી મહારાજનો ચરણ પોતાના પગમાં લઈ જોયો ત્યાં નવ ચિહ્ નોનાં દર્શન થયાં અને પછી ડાબો ચરણ ધર્યો તેમાં સાત ચિહ્ નોનાં દર્શન થયાં. તેથી ભગવાનદાસને ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો અને ઘરે લાવ્યા.
ત્યારે મહારાજે અનુક્રમે તેમની માતા અને પત્નીના સંકલ્પો સત્ય કરી પોતાને વિષે ભગવાનપણાની પ્રતીતિ કરાવી, આશીર્વાદ આપ્યા જે, “અમારે આગળ તીર્થોને પૂન: તીર્થત્વ આપવા જવું છે માટે રોકાશું નહિ ને તમારો મોક્ષ થાશે અને તમારો દેહ રહે ત્યાં સુધી અમારી મૂર્તિનું ધ્યાન કરજો.”
આમ, શ્રીહરિ મુમુક્ષુની સાચી મુમુક્ષુતા પારખી પોતે સામે ચાલીને ભેટતા.