પ.પૂ.બાપજીના સ્મૃતિભંડારમાં યુવક માટેનું હેત.
ગુરુવર્ય પ.પૂ.બાપજી કચ્છના ભારાસર ગામે સત્સંગ વિચરણ માટે પધારેલા.ગામના હરિમંદિરમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી સંતો-ભક્તો સાથે થોડી વાર માટે રોકાયા હતા.
મંદિરે સંતો આવ્યા એવી ભાળ મળતાં ગામના લોકો દર્શન કરવા આવ્યા.
એમાં કોઈ યુવાનનો હાથ પકડી ગુરુવર્ય પ.પૂ.બાપજીએ પૂછ્યું, “તમે કોના દીકરા ?”
“હું માવજીભાઈનો દીકરો છું.” યુવકે કહ્યું.
“આ ગામમાં તો ત્રણ-ચાર માવજીભાઈ નામના હરિભક્તો છે. પણ તમે તો જે માવજીભાઈના ગાલ પર કાળો મસ છે તેમના દીકરા ને ?”
યુવક તો આ સાંભળી બે ઘડી હતપ્રભ થઈ ગયો. અને આશ્ચર્યભાવે તે બોલ્યા : “હા બાપજી... હું તેમનો જ દીકરો છું પણ મારા બાપાના ગાલ પર કાળો મસ છે... તે તમને કેવી રીતે ખ્યાલમાં છે ? અને મને આપે કેવી રીતે ઓળખી લીધો...?”
“ત્રીસ વર્ષ પહેલાં અમે ભારાસરમાં આવેલા ત્યારે તમે તમારા પિતાની સાથે અમારાં દર્શન કરવા આવ્યા હતા... તે દી તમે નાના હતા.”
યુવક તો આ સાંભળી તે જ ક્ષણે સ્તબ્ધ થઈ ગયો અને વિચારવા લાગ્યો : ‘બાપજીએ મને ત્રીસ વર્ષ પહેલાં જોયેલો... હું તો ત્રીસ વર્ષનાં વહાણાં વહી ગયેલાં એટલે ઓળખી ન શક્યો પણ એ મને ઓળખી ગયા. ઓહ ! ગુરુવર્ય પ.પૂ. બાપજીના સ્મૃતિભંડારમાં અમારા જેવા સાવ સામાન્ય જન પણ કેટકેટલા સમયથી સચવાયા છે. આ તો એમની કરુણા કહેવાય ! બાકી આજે સ્વાર્થ વિના કોઈ યાદ રાખતું નથી...’
યુવક ગુરુવર્ય પ.પૂ. બાપજીના ચરણોમાં ઢળી પડ્યો.
ગુરુવર્ય પ.પૂ. બાપજીનો આશીર્વાદનો સ્નેહાળ હસ્ત આ યુવકના માથે ફરી રહ્યો. ત્યારે એની આંખો હર્ષાશ્રુને ખાળી જ શકી નહીં.