અમારુ અવરભાવનું સ્વાસ્થ્ય મહારાજની ઈચ્છાથી સારું થશે.
ઈ.સ. ૨૦૧૦-૧૧માં ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતું.
તબીબોની સૂચના અનુસાર ગુરુવર્ય પ.પૂ.બાપજીને નારિયેળનું પાણી આપવામાં આવે તો સ્વાસ્થ્ય માટે અનુકૂળ રહેશે.
આથી હરિભક્તોએ ગુરુવર્ય પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી, “હે બાપજી ! આપ નારિયેળનું પાણી લો તો સ્વાસ્થ્ય સારું રહે અને અમને સેવાનો લાભ મળે.”
ત્યારે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કહ્યું, “મેં મારા જીવનકાળમાં ક્યારેય નારિયેળનું પાણી લીધું નથી; એ તો રસાસ્વાદ ગણાય.એ અમને સંતોને ન શોભે.”
“દયાળુ, રાજી રહેજો;શ્રીજીમહારાજે આવી કોઈ આજ્ઞા કરી હોય તેવું જોવામાં આવ્યું નથી...” વડીલ સંત પ્રાર્થના કરતાં બોલ્યા.
“સ્વામી, સાચું... શ્રીજીમહારાજે આવી કોઈ આજ્ઞા નથી કરી. સ્વાસ્થ્ય સારું ન હોય તો લેવાય. સ્વાસ્થ્ય સારું હોય ને લે તે રસાસ્વાદ કહેવાય અને તેનાથી નિષ્કામ ધર્મમાં ખોટ આવે... અને તેથી તે સંતોને ન શોભે...”
“બાપજી, આપ તો સ્વયં નિષ્કામ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છો... માટે અમારી પ્રાર્થના સ્વીકારી આપ લો...”
“સ્વામી, અમારું સ્વાસ્થ્ય નારિયેળ પાણીથી નહિ પણ શ્રીજીમહારાજની ઇચ્છાથી સારું થશે...”
આ જવાબ સાંભળીને સંતો-હરિભક્તો તે જ ક્ષણે અવાચક બની ગયા.